પ્રકૃતિપ્રેમી આદિવાસી સમાજ દ્વારા પરંપરાગત રીતે ઉજવાતો દિવાસાનો તહેવાર ખેરગામ તાલુકામાં આ વર્ષે પણ ખૂબ જ ધામધૂમથી અને રંગેચંગ રીતે ઉજવાયો હતો. અષાઢી અમાસના પવિત્ર દિવસે ઉજવાતો આ તહેવાર કુદરત પ્રત્યે આદર અને ઋણસ્વીકારની ભાવનાનું પ્રતિબિંબ છે.
છેલ્લા પાંચ વર્ષથી તાલુકા પંચાયત સભ્ય વિભાબેન જયેશભાઈ પટેલ, રાકેશભાઈ પટેલ તથા તેમના પરિવારજનોના સહયોગથી ભવ્ય શોભાયાત્રા આયોજિત થાય છે, જેમાં ઢીંગલાબાપાની મૂર્તિને ઔરંગા નદી સુધી વાજતે ગાજતે, નૃત્ય-ગીત સાથે ઉપસ્થિત હજારો લોકોએ ભક્તિભાવથી વિદાય આપી હતી.
આ પ્રસંગે નાંધઈ, નારણપોર, પોમાપાળ અને મરલા ગામોના આગેવાનો – દલપત પટેલ, ભાવેશ પટેલ, અશોકભાઈ, મોહનભાઈ પટેલ, મનહર પટેલ, જીજ્ઞેશ પ્રધાન અને સ્થાનિક યુવાનો, વડીલો, મહિલાઓ અને બાળકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
નવસારી જિલ્લાના આદિવાસી સમાજના પ્રમુખ ડો. નિરવ ભુલાભાઈ પટેલે તહેવારની મહત્તા વર્ણવતાં જણાવ્યું કે,
“દિવાસો એ રોપણી જેવી મહેનતભરી કૃષિ પ્રક્રિયા બાદ થાક ઉતારવાનો, કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો તહેવાર છે. આ દિવસે ઢીંગલા-ઢીંગલીની પૂજા કરીને સમગ્ર જીવસૃષ્ટિના કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવે છે.”
તેઓએ આગળ જણાવ્યું કે, “વિભાબેન, જયેશભાઈ, રાકેશભાઈ અને ચાર ગામના આગેવાનો એ ભૂલાયેલી સંસ્કૃતિને પુનર્જીવિત કરી છે, જે પ્રેરણાદાયક છે.”
અંતે તેમણે 9મી ઓગસ્ટના વિશ્વ આદિવાસી દિનની ભવ્ય ઉજવણી માટે પણ સૌને આમંત્રણ પાઠવ્યું હતું અને સૌ આદિવાસી-બિનઆદિવાસી ભાઈ-બહેનોને ભેગા થઈ તહેવારની ભવ્યતા વધારવા જણાવ્યું હતું.
રિપોર્ટ: અંકેશ યાદવ, ખેરગામ