દિવ્યાંગ ના નાથ સોમનાથ” સોમનાથ દાદાના સાનિધ્યમાં ત્રિ-દિવસીય દિવ્યાંગ સાધન સહાય કેમ્પનો યોજાયો.

સોમનાથ

શ્રી સોમનાથ ટ્રસ્ટ અને ભગવાન મહાવીર વિકલાંગ સેવા સમિતિના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ સહાય કેમ્પ યોજાયો
કુત્રિમ અંગ લગાવવા આવેલ દિવ્યાંગોને સોમનાથ આવવા જવાનું શુલ્ક, રેહવા જમવાની વ્યવસ્થા કરી ઉત્તમ આતિથ્ય અપાયું

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના ટૂરિસ્ટ ફેસિલિટી સેન્ટર ખાતે 14 જિલ્લાના દિવ્યાંગ લાભાર્થીઓને કુત્રિમ અંગો વિતરણ કરવામાં આવ્યા હતા. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રદ્ધાથી શીશ નમાવનાર દરેક ભક્તની મનોકામના ભોળાનાથ જરૂર પૂરી કરે છે. ત્યારે જન-જનના નાથ સોમનાથ મહાદેવની વિશેષ અનુકંપા દિવ્યાંગો પ્રત્યે છે. અને એજ સ્નેહ સાથે દિવ્યાંગ સેવાઓનો ધોરણબદ્ધ રીતે વિસ્તૃત આયોજનો કરવામાં આવે છે. મંદિરની દિવ્યાંગ-પ્રેમી સુવિધાઓ હોય કે ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ નિયમિત કેમ્પો શ્રી સોમનાથ ટ્રસ્ટ હંમેશાં દિવ્યાંગોની સેવાને પરમ સેવા માનતું આવ્યું છે.

मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं ।
यत्कृपा तमहं वन्दे परमानन्द माधवम् ॥
અર્થ:

જેમની કૃપાથી મૌન વ્યક્તિ બોલી શકે છે અને પગ વગરનો મનુષ્ય પહાડ ચડી શકે છે, હું તે પરમાનંદ માધવ ભગવાનને વંદન કરું છું.
શ્રદ્ધા અને સેવા સાથે, હરિહર તીર્થ સોમનાથમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ દિવ્યાંગ સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

“દિવ્યાંગ ના નાથ સોમનાથ”ના સૂત્ર સાથે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ અમદાવાદ અને જયપુર સાથે સંયુક્ત ઉપક્રમે રાજ્યના વિવિધ 14 જિલ્લામાં પ્રવાસ કરીને ત્યાંના સ્થાનિક વહીવટી તંત્રના સહયોગ લઈને દિવ્યાંગોના નિયત માપ લઈને કુત્રિમ અંગો બનાવવામાં આવ્યા હતા.જે તૈયાર કરેલ અંગો આ વિતરણ કેમ્પમાં દિવ્યાંગજનોને લગાવી આપવામાં આવેલ. આ ત્રિ-દિવસીય કેમ્પમાં અમરેલી, સાબરકાંઠા, કચ્છ, ભાવનગર, પોરબંદર, બોટાદ, આણંદ, અરવલ્લી, જૂનાગઢ, ગાંધીનગર, ખેડા, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, ગીર સોમનાથ જિલ્લા માંથી 500 થી વધુ દિવ્યાંગને 700 થી કુત્રિમ અંગો લગાવવાનું કાર્ય પ્રારંભ કરવામાં આવેલ. આમ રાજ્યભરના લાભાર્થીઓને સોમનાથ મહાદેવના આશીર્વાદ રૂપે અંગો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા.

અહેવાલ :- દિપક જોષી (ગીર સોમનાથ પ્રાચી)