દેશના ખેડૂતોને મળશે આગવી ઓળખ–ફાર્મર આઈ.ડી.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશના દરેક ખેડૂતને હવે એક આગવી ઓળખ મળી રહે એ વિશેષ પહેલના ભાગરૂપે ગુજરાતમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેંડ રેકર્ડને યુનિક આઈ.ડી સાથે લીંક કરવા માટે ગત તા.૧૫ ઓક્ટોબરથી ફાર્મર રજીસ્ટ્રી શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં પી.એમ. કિસાન યોજનાના ૬૬ લાખ જેટલા ખેડૂત લાભાર્થીઓની ફાર્મર રજીસ્ટ્રી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક મુકાયો છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં અત્યારસુધી ૧.૪૨ લાખથી વધુ લાભાર્થી ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જિલ્લાના બાકી રહેતા તમામ ખેડૂતમિત્રોએ વહેલી તકે નોંધણી કરાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર તરફથી અનુરોધ કરાયો છે. *ફાર્મર આઇ.ડી.કેમ જરૂરી છે*ફાર્મર રજીસ્ટ્રી હેઠળ દરેક ખેડૂતને આધાર આઈ.ડી.ની જેમ એક ૧૧ ડિજિટનો યુનિક ફાર્મર આઈ.ડી આપવામાં આવશે, જેમાં ખેડૂતોની જમીન સહિતની વિવિધ વિગતો ઉપલબ્ધ રહેશે. આ આઈ.ડી.ના માધ્યમથી ખેડૂતોને રાજ્ય તથા કેન્દ્ર સરકારની વિવિધ હિતલક્ષી યોજનાઓનો લાભ સરળતાથી તથા પારદર્શકતાપૂર્વક અને સમયસર મળી રહેશે. ખેડૂતોને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, પી.એમ કિસાન સન્માન નિધિ, લઘુત્તમ ટેકાના ભાવ, નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ જેવા લાભ એક પ્લેટફોર્મ પર મળી રહેશે. ભારત સરકારે પીએમ કિસાન યોજનાના રૂ. ૨૦૦૦ના આગામી ડિસેમ્બર મહિનાના હપ્તા માટે ખેડૂત આઈ.ડી.ની નોંધણી ફરજિયાત કરી છે.*ફાર્મર આઇ.ડી. રજીસ્ટ્રેશન કેવી રીતે કરાવવું*બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત કચેરીએ વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રીન્યોર(વીસીઈ) તથા કોમન સર્વિસ સેન્ટર (સી.એસ.સી)નો સંપર્ક કરીને રજીસ્ટ્રેશન કરાવી શકે છે.આ ઉપરાંત ખેડૂતો પોતાની જાતે સેલ્ફ રજીસ્ટ્રેશન થકી પણ ખેડૂત નોંધણી કરી શકે છે. આ માટે ખેડૂત મિત્રો ગૂગલ પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ નોંધણી કરાવી શકે છે જેની લિંક https://play.google.com/store/apps/details?id=com.agristack.gj.farmerregistry છે. આ સાથે ખેડૂત મિત્રો https://gjfr.agristack.gov.in/ લિંક મારફત પણ સેલ્ફ રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આ અંગે વધુ માહિતી માટે ખેડૂત મિત્રો યુટ્યુબની લીંક youtu.be/sg4oFzcgNY0 મારફત માહિતી પણ મેળવી શકે છે.

અહેવાલ:- બ્યુરો,(પાલનપુર)