દેશી હાથ બનાવટનો તમંચો સાથે એક ઈસમ ઝડપાયો; ભાવનગર એલ.સી.બી.ની કામગીરી.

ભાવનગર તા.13 ઑગસ્ટ – ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલ.સી.બી.)ની ટીમે શહેર વિસ્તારમાં મળેલી ચોક્કસ બાતમીના આધારે એક ઈસમને દેશી હાથ બનાવટના તમંચા સાથે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી કિ.રૂ. 5,000/-ના મુદ્દામાલ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલના માર્ગદર્શન હેઠળ નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા અને ગેરકાયદેસર હથિયારોને લઈને કડક કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. તે અનુસંધાને એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. વાળાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન ટીમને ચોક્કસ બાતમી મળી કે કસીર ફારૂકભાઇ પઢીયાર (ઉ.વ. 29, રહે. જલુનો ચોક, સિહોર) હાલ સચ્ચીદાનંદ સ્કૂલની સામે જી.આઈ.ડી.સી. નં. 3ના રોડ પર ઊભો છે અને તેની પાસે ગેરકાયદેસર હથિયાર છે.

બાતમીના આધારે સ્થળ પર પહોંચી તપાસ કરતાં આરોપી જણાવેલ વર્ણન મુજબ બ્લુ જીન્સ અને વ્હાઇટ-બ્લ્યુ પટ્ટાવાળો શર્ટ પહેરેલ હાલતમાં મળી આવ્યો. તેની તપાસ કરતાં લાકડાના હાથા પર ફિટ કરેલ લોખંડના બેરલવાળો આશરે 4 ઇંચ લાંબો દેશી તમંચો મળી આવ્યો. હાથાની લંબાઈ પણ આશરે 4 ઇંચની હતી. કુલ કિમત રૂ. 5,000/-ના મુદ્દામાલ સાથે આરોપીને કબ્જે લેવાયો.

આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટની સંબંધિત કલમો હેઠળ સિહોર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે.

આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.ડી. ઝાલા સાથે એલ.સી.બી.ના અનિરૂધ્ધસિંહ ગોહિલ, બીજલભાઈ કરમટીયા, હરિચંદ્દસિંહ દિલુભા અને એજાજખાન પઠાણનો મહત્વનો ફાળો રહ્યો.

📍 અહેવાલઃ સતાર મેતર, સિહોર