વડોદરા: દોઢ કરોડની લોન મંજૂર કરાવવાના બહાને એક જ્વેલરી શોપ ચલાવતા દંપતિ પાસેથી 36.69 લાખ રૂપિયા પડાવી લઈ છેતરપીંડી કરનાર બે શખ્સો વિરુદ્ધ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીઓએ લોન પ્રોસેસિંગ ફી અને દાગીનાના વ્યવહારમાં દંપતિ સાથે છેતરપીંડી કરી હતી.
જ્વેલરી શોપ માલિક દંપતિ સાથે મોટી છેતરપીંડી
મકરપુરા પોલીસ સ્ટેશન સામે સિલ્વર કોઇન એપાર્ટમેન્ટમાં રહેતા શીલાબેન રાજેશભાઈ સોની તેમના પતિ સાથે સુસેન-તરસાલી રોડ પર “આર.કે. જ્વેલર્સ” નામની દુકાન ચલાવે છે. આ દંપતિએ દોઢ કરોડની લોન મેળવવા માટે કઈંક સમય પહેલાં સંપર્ક સાધ્યો હતો.
આ દરમિયાન સારંગ કુમાર પ્રજાપતિ (રહે. કોયલી ફળિયા, ફતેપુરા) અને નવરતન માંગીલાલ શર્મા નામના બે શખ્સો તેમની સાથે જોડાયા અને લોન સરળતાથી મંજૂર કરાવવાની ખાતરી આપી.
પ્રોસેસિંગ ફી અને દાગીનાના વ્યવહારમાં 36.69 લાખની લુંટ
આરોપીઓએ લોન માટેની પ્રોસેસિંગ ફી પેટે ટુકડે-ટુકડે 35.47 લાખ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા. ઉપરાંત, 1.23 લાખના દાગીના પણ દુકાનમાંથી ખરીદ્યા, પરંતુ પૈસા ચૂકવ્યા નહીં.
20 કરોડની લોનના બનાવટ ઈમેલથી છેતરાયા
દંપતિને વધુ વિશ્વાસ અપાવવા માટે, આરોપીઓએ 20 કરોડની ટ્રેડ ફાઇનાન્સ લોન મંજૂર થઈ હોવાનું સ્ક્રીનશોટ બતાવ્યું અને તેમની સાથે છેતરપીંડી કરી.
પોલીસ તપાસમાં નવો ખુલાસો સંભવિત
દંપતિએ પૈસા પરત ન મળતાં આખરે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.
પોલીસે છતરપીંડી અને વિશ્વાસઘાતની કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે.
અહેવાલ: ગુજરાત બ્યુરો