ગીર સોમનાથ જિલ્લામાં ૭૯માં સ્વતંત્રતા પર્વ પૂર્વે દેશભક્તિની લાગણીઓને પ્રગટ કરતા અનેક અનોખા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તે જ અંતર્ગત ગીરગઢડા ખાતે સ્થિત દ્રોણેશ્વર ગુરુકૂળના વિદ્યાર્થીઓએ અનોખી પહેલરૂપ “ઓપરેશન સિંદૂર” નામની માનવ સાંકળ બનાવી રાષ્ટ્રપ્રેમનો પ્રેરણાત્મક સંદેશો આપ્યો.
સંસ્થાના અધ્યક્ષ માધવપ્રિયદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં દ્રોણેશ્વર ગુરુકૂળ અને આર.ડી. વરસાણી કુમાર કન્યા વિદ્યાલયના આશરે ૧,૦૦૦ વિદ્યાર્થીઓએ સુવ્યવસ્થિત આયોજન સાથે મેદાન પર ઉભા રહી પોતાના શરીરથી અક્ષર રચના કરીને ‘ઓપરેશન સિંદૂર’ની શાબ્દિક રચના કરી. ઉપરથી જોતા આ દૃશ્યે એકતા, શિસ્ત અને રાષ્ટ્રીય ગૌરવનું જીવંત પ્રતિબિંબ રજૂ કર્યું.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ‘ઓપરેશન સિંદૂર’ વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી — કેવી રીતે આપણા સશસ્ત્ર દળોએ સરહદ પર શૌર્ય, ત્યાગ અને અદમ્ય સાહસનું પ્રદર્શન કરી રાષ્ટ્રની સુરક્ષા સુનિશ્ચિત કરી. સાથે સાથે સૈનિકોની શૌર્યગાથાઓ પણ રજૂ થઈ, જેને સાંભળીને વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ અને સરહદ પર સેવા આપતા જવાનો પ્રત્યે ગાઢ આદરની લાગણી વધુ પ્રબળ બની.
આ માનવ સાંકળ કાર્યક્રમનો હેતુ માત્ર શાબ્દિક રચના પૂરતો ન હતો, પરંતુ શિક્ષણ સાથે સંસ્કાર, શિસ્ત અને પ્રબળ સ્વદેશાભિમાન ધરાવતા જવાબદાર નાગરિકોનું નિર્માણ કરવાનો સંદેશ પણ તેમાં સમાયેલ હતો. મેદાનમાં ગુંજતા દેશભક્તિના નાદો અને વિદ્યાર્થીઓના તેજસ્વી ચહેરાઓએ સમગ્ર વાતાવરણને દેશપ્રેમના રંગમાં રંગી દીધું.
📍 અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ