દ્વારકાના ગોમતી ઘાટ પાસે રાત્રે આખલાઓનો તાંડવ : હોટેલમાં ઘૂસીને તોડફોડ, નગરપાલિકાની નિંદનીય નિષ્ક્રિયતા સામે લોકોમાં રોષ

દ્વારકા શહેરમાં રાત્રિના સમયે મોખરે આખલાઓનો આતંક સતત વધતો જઈ રહ્યો છે. ખાસ કરીને ગોમતી ઘાટના આસપાસના વિસ્તારમાં લોકો રાત્રે નીકળી શકતા નથી – કારણ કે આખલાઓના ટોળા રસ્તા પર દોડતા-ફરતા જોવા મળે છે.

શુક્રવારના રાત્રે એક ગંભીર ઘટના સામે આવી છે – રિલાયન્સ રોડ પર આવેલી રાજાધિરાજ હોટેલમાં આખલાઓ ઘૂસી ગયા હતા. હોટેલના કાચ તોડીને અંદર પ્રવેશ કરતાં હાજર લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.

આ દ્રશ્યોનું વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોના ગુસ્સેનો ઠેરવ નથી.
જણાવાયું છે કે આખલાઓ વચ્ચેના યુદ્ધના કારણે અવાજ અને દોડધામ થઈ હતી, જેના કારણે હોટેલના કાચ તૂટી ગયા અને આખલાઓ અંદર ઘૂસી ગયા.

સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓનો આક્ષેપ છે કે નગરપાલિકા દરરોજ આવો આતંક જોતી રહી છે પણ હજુ સુધી કોઈ નક્કર પગલાં ભર્યા નથી.
આખલાઓના ટોળા દિવસ-રાત રસ્તા પર બેફામ દોડે છે, જેને કારણે સ્થાનિકોના જીવ જોખમમાં છે.

“શું નગરપાલિકા કઈંક મોટી દુર્ઘટના થવાની રાહ જોઈ રહી છે?” — આવો સવાલ લોકોના હોઠે છે.

સ્થાનિક આગેવાનો અને રાહદારીઓએ દ્વારકા નગરપાલિકા અને જિલ્લા તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ સાથે ચિમકી આપી છે કે જો કાર્યવાહી નહિ થાય તો વિરોધ પ્રદર્શન કરાશે.

📍 સંવાદદાતા : ધર્મેન્દ્ર ઉપાધ્યાય, દ્વારકા