દ્વારકા
દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક 259% વરસાદ નોંધાયો છે જેમાં દ્વારકા તાલુકામાં 390% ખંભાળીયા તાલુકામાં 256% કલ્યાણપુર તાલુકામાં 220% અને ભાણવડ તાલુકામાં 209% વરસાદ નોંધાયો છે 2016 ના કેન્દ્ર સરકારના અછતગ્રસ્ત મેન્યુઅલ મુજબ છેલ્લા ત્રીસ વર્ષના વરસાદની સરેરાશની સરખામણીએ જો 40% ઓછો વરસાદ પડે તો અછતગ્રસ્ત અને જો 40% વધારે વરસાદ પડે તો લિલો દુષ્કાળ કહેવાય એટલે કે જો માત્ર 59% જ વરસાદ પડે તો અછતગ્રસ્ત અને જો 140% વરસાદ પડે તો લિલો દુષ્કાળ કહેવાય તેની સામે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 259% વરસાદ નોંધાયો છે ત્યારે બહુ સ્વાભાવિક છે કે ખેતી પાકોને ખૂબ મોટું નુકશાન થયું છે ત્યારે સરકારમાં અનેક વખત રજૂઆતો કરવા છતાં સરકાર ખેડૂતોની વાત સાંભળવા તૈયાર નથી 18 જુલાઈ થી 24 જુલાઈ વચ્ચે પડેલા વરસાદનું પાક નુકશાની સર્વે કરવાનું સરકારે નાટક કર્યું પરંતુ તેનાથી ત્રણ ગણો વધારે વરસાદ 22 ઓગસ્ટથી 29 ઓગસ્ટ વચ્ચે પડ્યો તે બાબતે સરકાર મૌન ધારણ કરીને બેસી ગઈ છે ખરેખર સૌથી વધારે નુકશાન ઓગસ્ટ મહિનાના ઉત્તરાર્ધમાં જે વરસાદ પડ્યો તેને નુકશાની કરી છે પણ તે બાબતે સરકાર કઈ જ બોલવા તૈયાર નથી
ત્યારે આજે સરકારની આંખ ખોલવા, ખેડૂતોનો અવાજ સરકારના બહેરા કાને પહોંચાડવા દ્વારકા જિલ્લાના ખેડૂતોએ એકત્રિત થઈ ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાની આગેવાનીમાં એક આશ્ચર્યજનક કાર્યક્રમ કર્યો હતો જેમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને થયેલ નુકસાની દર્શાવતા મુદ્દાઓ લખી એક હોર્ડિંગ્સ બનાવી તેનું વયોવૃદ્ધ ખેડૂતના હાથે લોકાર્પણ કરાવી નવતર વિરોધ નોંધાવ્યો હતા
આ હોર્ડિંગ્સમાં લખેલી ખેડૂતોની વેદના….
1) વર્તુ, સાની, સોરઠી જેવી નદીઓ દર વર્ષે ખેડૂતોના ખેતરો ધોઈ નાખે છે તેનો કાયમી ઉકેલ લાવવામાં આવે
2) પુરના કારણે રાવલ ગામ દર વર્ષે સંપર્ક વિહોણું થાય છે તેનો કાયમી ઉકેલ લાવવામાં આવે
3) ચાલુ વર્ષે અતિવૃષ્ટિના કારણે થયેલ જમીન ધોવાણનું તાત્કાલિક સર્વે કરી ખેડૂતોને વળતર આપવામાં આવે
4) દ્વારકા જિલ્લાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે
5) 18 જુલાઈ થી 24 જુલાઈ અને 22 ઓગસ્ટ થી 29 ઓગસ્ટ દરમિયાન અનરાધાર વરસાદના કારણે આખા જિલ્લામાં પાક નુકશાની થઈ છે ત્યારે આખા જિલ્લામાં તમામ ખેડૂતોને પાક નુકશાની વળતર આપવામાં આવે
6) કેન્દ્ર સરકારે 2016 થી 2023 સુધીમાં ઉદ્યોગપતિઓના 14 લાખ 56 હજાર કરોડ માફ કર્યા 24 લાખ 95 હજાર કરોડ રાઈટ ઓફ કર્યા છે ત્યારે કુદરતી આપતિના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હોય ખેડૂતોનું ચાલુ વર્ષનું પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવામાં આવે
ઉપરોક્ત મુદ્દાઓ લખી હોર્ડિંગ્સનું અનાવરણ કરી ખેડૂતોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો
અહેવાલ :- પૂજા દવે ઓખા (દ્વારકા)