દ્વારકા બ્રેકિંગ : કમોસમી વરસાદથી ખંભાળિયા-ભાણવડ પંથક ભીંજાયું

દ્વારકા જિલ્લામાં આજે કમોસમી વરસાદે હાહાકાર મચાવ્યો છે. ખાસ કરીને ખંભાળિયા અને ભાણવડ પંથકમાં ધોધમાર વરસાદ નોંધાયો છે.

ખંભાળિયા શહેરના નગર ગેટ, રામનાથ સોસાયટી, ધરાર નગર અને સોની બજાર જેવા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા વાહનચાલકો અને સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. રસ્તાઓ પર પાણી ફરી વળતાં જનજીવન પ્રભાવિત થયું છે.

ભાણવડ પંથકમાં પણ અચાનક વરસાદે બજારોમાં પાણી વહેવા લાગ્યા હતાં, જેના કારણે વેપારીઓને વેપાર બંધ કરવા પડ્યા હતા. અસહ્ય ગરમી પછી વરસાદથી હવામાં ઠંડક પ્રસરી, જોકે ઉનાળુ પાક ઉછેરતા ખેડૂતોમાં ચિંતા વધી છે, કારણ કે માવઠું પાક માટે હાનિકારક બની શકે છે.

હવામાન વિભાગે અગાઉથી possibilities જાહેર કરી હતી કે તાપમાનમાં ઝડપથી ઘટાડો થવાના કારણે કમોસમી વરસાદ પડી શકે છે અને આજે તે આગાહી સચોટ સાબિત થઇ.

દ્વારકા જિલ્લા તંત્ર અને નગરપાલિકા દ્વારા હાલ વરસાદના અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણી નીકળવા તત્કાલ પગલાં લેવામાં આવી રહ્યાં છે.

સંવાદદાતા: ધર્મેન્દ્ર ઉપાધ્યાય, દ્વારકા