ધરમપુરના સીદુંબર ગામે ગરીબ પરિવારનું ઘર ધરાશાયી થતા ધારાસભ્યએ મુલાકાત લઇ સહાયની ખાતરી આપી

ધરમપુર – તા.૮
ગતકાલે બપોરના ત્રણ વાગ્યા આસપાસ ધરમપુર વિસ્તારમાં અચાનક વાવાઝોડું સાથે ભારે વરસાદ પડતા અનેક ગામોમાં વૃક્ષો ધરાશાયી થયા હતા અને ખેડૂતોના કેરીના પાકને ગંભીર નુકસાન પહોંચ્યું છે. ખાસ કરીને સિદુંબર ગામના ભટાડી ફળીયામાં રહેતા છનાભાઈ પાડવીનું ઘર વાવાઝોડાને પગલે ધરાશાયી થઈ ગયું હતું.

ઘરવખરી નાશ પામતાં ઘરમાં હાહાકાર

ઘટનામાં છનાભાઈના પરિવારની ઘરવખરી અને રોજિંદી ઉપયોગની ચીજવસ્તુઓ નાશ પામતા પરિવાર ઉપર આર્થિક આપત્તિ આવી પડી હતી. જાણ મળતાં ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી, પાલિકા અધિકારીઓને પરિવારને વળતર આપવાની યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

ખેતીને મોટું નુકસાન

ધરમપુર તાલુકાની આસપાસના વિસ્તારોમાં કેરી, પરવર, ટીંડોળા સહિતના શાકભાજીના પાકને પણ ભારે નુકસાન થયું છે, જેને લઈને ધારાસભ્યએ રાજ્ય સરકારને રજુઆત કરી ગરીબ આદિવાસી ખેડુતોને યોગ્ય વળતર આપવાની ભલામણ કરી છે.

અધિકારીઓ અને આગેવાનોની ઉપસ્થિતિ

ઘટના સ્થળે ગામના સરપંચ ભરતભાઈ પટેલ, પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના અધિકારીઓ તેમજ આસપાસના આગેવાનો ઉપસ્થિત રહી પીડિત પરિવાર સાથે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી.