ધરમપુર ખાતે અભ્યાસ માટે આવનારા વિદ્યાર્થીઓને બસ સેવા દરમિયાન ગંભીર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મળતી માહિતી મુજબ, ગજ 18 ઝ 8126 નંબરની બસ ધારમપુર ખાતેથી સાંજે 5 વાગ્યે ઉપડી હતી ત્યારે કંડકટરે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે તમારો પાસ અહીંથી ચાલુ નથી અને નવી ટિકિટ કાઢવી પડશે.
વિદ્યાર્થીઓ પાસે પૂરતા ભાડાના પૈસા ન હોવાથી તેમને જકાતનાકા પાસે બસમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા, જેના કારણે વિદ્યાર્થીઓને ભારે તકલીફનો સામનો કરવો પડ્યો. આ અંગે વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા ધરમપુર ડેપો મેનેજરશ્રીને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી.
ફરિયાદમાં સ્પષ્ટ કરવામાં આવ્યું કે હાલ પુલ બંધ હોવાથી બસો વિરવલ અને રાજપુર થઈને જાય છે અને એમાં જ વિદ્યાર્થીઓ મુસાફરી કરે છે. ત્યારે વહીવટી તંત્રની ભૂલ હોવા છતાં વિદ્યાર્થીઓને ઉતારી દેવું કેટલું યોગ્ય છે એવો સવાલ ઉઠાવવામાં આવ્યો.
ડેપો મેનેજરશ્રીએ જવાબ આપતા જણાવ્યું કે અગાઉ જ ડ્રાઇવર અને કંડકટરને સૂચના આપવામાં આવી હતી કે વિદ્યાર્થીઓના પાસ માન્ય ગણાશે, પરંતુ નવા સ્ટાફને આ માહિતી ન હોવાથી ભૂલ થઈ. હવે તમામ સ્ટાફને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે વિદ્યાર્થીઓના પાસ અહીંથી જ માન્ય ગણાશે અને કોઈને ઉતારી મુકવામાં નહીં આવે.
વાલીઓએ પણ ચિંતા વ્યક્ત કરી કે જે વિદ્યાર્થીઓ ફરિયાદ કરે છે, તેમના વિષે કંડકટરો દ્વારા શોધખોળ કરવામાં આવે છે. આ મુદ્દે ડેપો મેનેજરશ્રીએ સ્પષ્ટ કર્યું કે વિદ્યાર્થીઓને ખોટી રીતે હેરાન કરવામાં આવશે તો કડક પગલાં લેવાશે. સાથે જ તેઓએ વિદ્યાર્થીઓને આશ્વાસન આપ્યું કે આજથી આવી ઘટના ફરી બનશે નહીં.