ધરમપુર પંથકમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઉમંગભેર ઈદુલ ફિતરની ઉજવણી!

ધરમપુર:
ધરમપુર પંથકમાં ઈદુલ ફિતરનું પર્વ ઉત્સાહભેર ઉજવાયું, જ્યાં મુસ્લિમ સમાજના ભાઈઓએ સામૂહિક નમાઝ અદા કરી અને પરસ્પર ઈદની શુભેચ્છાઓ આપીને ભાઈચારા અને એકતાનું સંદેશો આપ્યો.

ધરમપુર નગરના માસૂમશાહ ઈદગાહ કબ્રસ્તાન ખાતે મૌલવી મુસા ઉસ્તાદના માર્ગદર્શન હેઠળ સામૂહિક નમાઝ અદા કરવામાં આવી. ઈસલામના પ્રેરક પયગંબર મહંમદ સ.અ.વ. ની વાણીના ઉલ્લેખ સાથે મુસ્લિમ સમાજને ભલાઈના કાર્યોમાં આગળ વધવા માટે પ્રેરણા આપવામાં આવી. આ સાથે મુસ્લિમ આગેવાનો દ્વારા સદકા અને ખેરાત આપવામાં આવી, જેથી જરૂરિયાતમંદોને મદદ મળી શકે.

મૂસલિમ સમાજના યુવાનો, બાળકો અને વડીલો દ્વારા ઈદની શુભેચ્છાઓની આપ-લે કરવામાં આવી અને પવિત્ર તહેવારની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ. ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, સાંસદ ધવલ પટેલ, મુસ્લિમ સુન્નત જમાતના પ્રમુખ સબબીર બાહનાન, સેક્રેટરી ખાલીદ શાહરી, ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા તથા શહેર ભાજપ પ્રમુખ અમિતભાઈ ચોરેરા સહિત ભાજપના આગેવાનો અને અન્ય સમાજસેવકોએ ફોન અને સોશિયલ મિડિયા દ્વારા ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી.

અહેવાલ: સુરેશ પરેરા, ધરમપુર