ધારાસભ્ય સંજય કોરડીયાએ સ્લમ વિસ્તારોમાં આરોગ્ય કામગીરીની સમીક્ષા કરી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મદિન નિમિતે જુનાગઢ શહેરના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ શહેરના વિવિધ સ્લમ વિસ્તારોની મુલાકાત લીધી હતી અને આરોગ્યલક્ષી કામગીરીનું જાતે નિરીક્ષણ કર્યું હતું.

આ મુલાકાત દરમિયાન ધારાસભ્યએ મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાયેલી કામગીરી અંગે સ્થળ પર જ જઈ વિસ્તૃત ચિતાર મેળવી અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. ધારાસભ્યશ્રીએ ૭૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના વડીલો માટે શરૂ કરાયેલી આયુષ્યમાન વય વંદના કાર્ડ યોજનાને લઈ લોકોને જાણકારી આપી હતી અને લાભાર્થીઓ સુધી સેવા પહોંચે તે માટેની કામગીરીનું અવલોકન કર્યું હતું.

આ ઉપરાંત ધારાસભ્ય દ્વારા ખામધ્રોળ વિસ્તારની સીમશાળા તથા આંગણવાડીની મુલાકાત પણ લેવામાં આવી હતી. અહીં તેઓએ બાળકોને આપવામાં આવતા પૌષ્ટિક નાસ્તા અને બપોરના ભોજનની ગુણવત્તાની જાતે તપાસ કરી હતી અને આંગણવાડી વર્કરો સાથે ચર્ચા કરી હતી.

મહાનગરપાલિકા જનસંપર્ક અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ધારાસભ્યશ્રીએ આરોગ્ય અને પોષણના મુદ્દે વિસ્તારોની વર્તમાન સ્થિતિને સુધારવા જરૂરી સૂચનો આપ્યા હતા અને આગામી દિવસોમાં વધુ અસરકારક કામગીરી થાય તેવા આશય સાથે કામગીરીને પ્રોત્સાહન આપ્યું હતું.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જુનાગઢ