ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સરસાણા ખાતે ‘સ્ટાર્ટ–અપ ઈકો સિસ્ટમ એનેબ્લર્સ’ વિષય પર મિટીંગ યોજાઈ હતી, જેમાં સાવલી ટેકનોલોજી એન્ડ બિઝનેસ ઈન્કયુબેટર, સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ, ગુજરાત સરકારના ફાઉન્ડર ડિરેકટર શ્રી આનંદ ભાદલકર અને હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ એન્ડ બિઝનેસ ડેવલપમેન્ટ, ગુજરાત સ્ટેટ બાયો–ટેકનોલોજી મિશન, ગુજરાત સરકારના જોઈન્ટ ડિરેકટર ડો. અનસૂયા ભાદલકરે સ્ટાર્ટ–અપમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટને આગળ ધપાવી શકાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું.
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, સ્ટાર્ટઅપ એ માત્ર વ્યવસાય નથી; તેઓ બિઝનેસમાં પરિવર્તનનાં બીજ છે, આર્થિક વૃદ્ધિ માટે ઉત્પ્રેરક છે અને દેશ તથા ઉદ્યોગોના મહત્વના પડકારોનો ઉકેલ છે. જો કે, દરેક સફળ સ્ટાર્ટ–અપ પાછળ એક મજબૂત ઇકો સિસ્ટમ હોય છે, જેમાં માર્ગદર્શકો, રોકાણકારો, પોલિસી મેકર્સ, સરકાર અને ઉદ્યોગ નિષ્ણાંતોનો સમાવેશ થાય છે. સ્ટાર્ટ–અપમાં આ બધા સાથે મળીને કામ કરે છે ત્યારે સ્ટાર્ટ–અપ સફળ થાય છે.ડો. અનસૂયા ભાદલકરે જણાવ્યું હતું કે, ભારતના કુલ ફાર્માસ્યુટિકલ પ્રોડકટના એક્ષ્પોર્ટમાં ગુજરાતનું યોગદાન ૪૦% છે. બાયો–આઈટી અને બાયો સર્વિસ ક્ષેત્રે ગુજરાતમાં રહેલી તકો અને રાજ્યમાં મળતી સુવિધાઓને ધ્યાને રાખીને મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના રોકાણકારો ગુજરાતમાં રોકાણ કરી રહ્યા છે. વર્ષ ર૦ર૩ સુધીમાં ગુજરાતનું બાયો–ટેકનોલોજી માર્કેટ ૧૧.૦ર બિલિયન ડોલરે પહોંચ્યું છે, તે વર્ષ ર૦૩૦ સુધીમાં ગ્લોબલ બાયો–ટેકનોલોજી ઈન્ડસ્ટ્રીનું માર્કેટ ૧૬૮૪ બિલિયન ડોલર સુધી પહોંચી શકે છે, ત્યારે ગુજરાતના ઉદ્યોગ સાહસિકો માટે આ ક્ષેત્રે સુવર્ણ તકો છે.