ધોરણ 9ના પ્રવેશમાં દોઢ મહિના વિલંબથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસરની શક્યતા, સમસ્ત આદિવાસી સમાજ દ્વારા શિક્ષણમંત્રીને રજૂઆત.

આદિજાતિ વિકાસ વિભાગના પ્રાયોજિત આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ 9ના વિદ્યાર્થીઓના પ્રવેશમાં દોઢ મહિના જેટલો વિલંબ થવાથી તેમના અભ્યાસક્રમ પર ગંભીર અસર થવાની આશંકા ઊભી થઈ છે. આ મુદ્દે samast આદિવાસી સમાજ દ્વારા શિક્ષણમંત્રીને તાત્કાલિક હસ્તક્ષેપ માટે લેખિત રજૂઆત કરવામાં આવી છે.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના શૈક્ષણિક વર્ષ 2025-26ના અભ્યાસક્રમ મુજબ, સામાન્ય શાળાઓમાં 9મી જૂનથી પાઠ્યક્રમ શરૂ થઈ ગયો હતો, ત્યારે આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ પ્રક્રિયા 16 જુલાઈથી શરૂ થવી એ વિદ્યાર્થીઓ માટે અસમાનતાનું કારણ બની છે.

સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખ ડો. નિરવ ભુલાભાઈ પટેલે સ્પષ્ટપણે જણાવ્યુ હતું કે, “આ મોડાથી શિક્ષકોને અભ્યાસક્રમ પૂરો કરવા ઓવરટાઈમ કરવો પડશે અને વિદ્યાર્થીઓ પર અભ્યાસનો વધુ ભાર આવશે. પરિણામે બંને પક્ષે દુઃસાધ્ય સ્થિતિ ઊભી થશે.”

તેમણે ઉમેર્યું કે, આ શાળાઓમાં મજૂર અને શ્રમિક વર્ગના બાળકો અભ્યાસ કરે છે. એ બાળકોને પહેલેથીજ શિક્ષણક્ષેત્રે પૂરતી સપોર્ટની જરૂર હોય છે. એવો વિલંબ તેમના માટે વધુ વંચિતતા ઉભી કરી શકે છે.

તેમજ તેઓએ તાત્કાલિક શિક્ષણ વિભાગને આદેશ આપવા વિનંતી કરી છે કે વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ પર અસર ન થાય તે માટે પૂરતા પગલાં લેવામાં આવે અને આવનારા વર્ષથી એડમિશન પ્રક્રિયા શાળાની વેકેશન દરમિયાન જ પૂર્ણ થાય એ માટે નિર્ધારિત સમયસીમા ઘડવામાં આવે.

તેમના શબ્દોમાં,
“હું ઈચ્છું છું કે આવા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં ડો. બાબાસાહેબ આંબેડકર કે એપીજે અબ્દુલ કલામ બની શકે — ત્યારે તેમના શૈક્ષણિક નફા-નુક્સાનનો વિચાર રાજકીય સુસ્તી વગર થવો જોઈએ.”

અહેવાલ: અંકેશ યાદવ, ખેરગામ