રાજકોટ જિલ્લામાં ધોરાજી ખાતે સૌરાષ્ટ્ર ઝોન (રાજકોટ અને જૂનાગઢ)ની સંયુક્ત કાર્યશિબિરનો આજે શુભ પ્રારંભ થયો હતો. આ કાર્યક્રમનું માર્ગદર્શન અને પ્રેરણા સંયુક્ત માહિતી નિયામક મિતેશ મોદાસિયા દ્વારા આપવામાં આવ્યું હતું.
ચોમાસાની હરિયાળી વચ્ચે ધોરાજી નજીકના પાટણવાવ ગામમાં આવેલ ઓસમ ડુંગરની તળેટીમાં બે દિવસીય આ કાર્યશાળા શરૂ થઈ હતી. આ કાર્યશાળાનો મુખ્ય હેતુ સૌરાષ્ટ્ર ઝોનના જિલ્લા કચેરીઓની કામગીરીની સમીક્ષા સાથે, સરકારની જનકલ્યાણકારી યોજનાઓ વધુ અસરકારક રીતે જનતા સુધી કેવી રીતે પહોંચાડી શકાય તે અંગેનું મંત્રણું કરવાનો છે.
કાર્યશાળામાં આપત્તિ વ્યવસ્થાપન સમયે સંપાદકીય કામગીરી કેવી રીતે સંભાળવી, વહીવટી બાબતોમાં અધિકારીઓની કુશળતા કેવી રીતે વધારી શકાય, તેમજ મેદસ્વિતા મુક્ત અભિયાન જેવા મહત્વના વિષયો પર ચર્ચા કરાઈ રહી છે.
આ ઉપરાંત, કાર્યશિબિર દરમિયાન પ્રકૃતિ સાથે જોડાઈને અધિકારીઓ માટે ઓસમ પર્વતનું આરોહણ-અવરોહણ તથા યોગ સત્રોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ દ્વારા અધિકારીઓને કાર્ય સાથે માનસિક અને શારીરિક તંદુરસ્તી તરફ પ્રોત્સાહિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમ સૌરાષ્ટ્ર ઝોનની કામગીરીને વધુ પ્રભાવશાળી બનાવવા અને સરકારની યોજનાઓને ઘરો સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
📍 અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ