રાજકોટ જિલ્લાના ધોરાજી અને ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાંથી દેશી દારૂના ખુલ્લેઆમ વેચાણના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતાં એક તરફ ભારે ચકચાર મચી ગઈ છે. ગાંધીના ગુજરાતમાં જ્યાં દારૂબંધી કાયદો અમલમાં છે, ત્યાં આવા વીડિયોએ સરકાર અને સ્થાનિક પોલીસ તંત્રની કામગીરી પર ગંભીર સવાલ ઉઠાવ્યાં છે.
વિડીયો કોઈ અજાણ્યા શખ્સ દ્વારા શૂટ કરીને વાયરલ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. વીડિયોમાં લોકોએ ખુલ્લેઆમ દેશી દારૂ વેચતાં જોવા મળે છે. આ ઘટના ધોરાજી તાલુકાના કોઈ ગામડાની હોવાનું અનુમાન છે, જ્યાં પોલીસ કંટ્રોલ વગર બૂટલેગરો બેફામ બન્યાં છે.
વિડીયો વાયરલ થતાં સ્થાનિક લોકોએ અને સજાગ નાગરિકોએ તંત્ર વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો છે. લોકોનો આક્ષેપ છે કે, જો આ દારૂમાંથી કોઈ લઠ્ઠાકાંડ સર્જાય, તો તેનું જવાબદારી કોણ લેશે? દારૂબંધી હોવા છતાં પણ ખુલ્લેઆમ આ ધંધો ચાલી રહ્યો છે, જેની પાછળ કોઈ મોટી સેટિંગ હોવાનો શંકાસ્પદ દાવો પણ લોકો કરી રહ્યાં છે.
સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ મોટી કાર્યવાહી થતી જોવા મળી નથી, જેને લઈ લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. નોંધનીય છે કે, JK 24×7 News આ વીડિયોની પુષ્ટિ કરતી નથી, પરંતુ વીડિયો વાયરલ થયા બાદ ચોક્કસ તંત્રની જવાબદારી બને છે કે તેને ગંભીરતાથી લે અને તાત્કાલિક પગલાં ભરવામાં આવે.
આ મુદ્દે જો કોઈ કાર્યવાહી નહીં થાય તો સ્થાનિક લોકો ભવિષ્યમાં બળવાખોર રસ્તો અપનાવશે તેવી પણ શક્યતા વ્યક્ત થઈ રહી છે.
અહેવાલ: વિમલ સોંદરવા, રાજકોટ