ધોરાજી: તુવેર ખરીદી મામલે રાજ્ય સરકાર અને નાફેડ પર લલિત વસોયાનો ગંભીર આક્ષેપ, 2475 ખેડૂતોની નોંધણી રદ કરાઈ હોવાનો દાવો!

ધોરાજી તાલુકામાં તુવેર ખરીદીના મુદ્દે ખેડૂતોમાં આક્રોશ સર્જાયો છે. પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ રાજ્ય સરકાર અને નાફેડના અધિકારીઓ પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે તુવેર ખરીદીમાં ખેડૂતોને હેરાન કરવામાં આવી રહ્યાં છે. તેમના જણાવ્યા મુજબ, સમગ્ર તાલુકામાં અંદાજે 6,700 જેટલા ખેડૂતોએ તુવેરના ટેકાના ભાવે નોંધણી કરાવી હતી.

પરંતુ તંત્ર દ્વારા સેટેલાઇટ ઇમેજના આધારે એવા દાવો સાથે કે ખેડૂતોએ તુવેર વાવેતર જ કરેલું નથી, આશરે 2,475 ખેડૂતોની નોંધણી રદ કરી દેવામાં આવી છે. લલિત વસોયાનું કહેવું છે કે આ ખેડૂતોએ વાસ્તવમાં તુવેર વાવેતર કર્યું છે અને તેઓ પોતાના પાકનું સાબિતી સહિત પૂરાવો આપવા તૈયાર છે.

લલિત વસોયાએ આ સમગ્ર પ્રક્રિયા ઈરાદાપૂર્વક ખેડૂત વિરોધી હોવાનું આક્ષેપ કરતાં કહ્યું કે નાફેડના અધિકારીઓ ખરીદી ટાળી રહ્યા છે અને ખેડૂતોએ ન્યાય માટે ચક્કર ખાવા પડી રહ્યા છે. આ સમગ્ર મુદ્દે રાજ્ય સરકાર અને કૃષિ મંત્રી તાત્કાલિક ધ્યાને લે અને સમસ્યાનો યોગ્ય ઉકેલ લાવવો જોઈએ એવી તેઓએ ઉગ્ર અપીલ કરી છે.

બાઈટ:
લલિત વસોયા, પૂર્વ ધારાસભ્ય, કોંગ્રેસ
“હજારો ખેડૂતોએ તુવેર વાવ્યું છે અને સરકાર તેમને ટેકાના ભાવથી વંચિત કરી રહી છે. આ ખેડૂત વિરોધી વલણ છે અને અમે આ અવાજ મજબૂત રીતે ઉઠાવીએ છીએ.”

નિષ્કર્ષ:
તાલુકાના હજારો ખેડૂતો પોતાનું વાવેતર સાબિત કરવા તૈયાર છે, ત્યારે સરકારે યોગ્ય તપાસ કરીને ખેડૂત હિતમાં ન્યાયસંગત નિર્ણય લેવું ખુબ જ જરૂરી બન્યું છે.

અહેવાલ: વિમલ સોંદરવા, રાજકોટ