લીંબડી, માંડવી-કચ્છ, મુંદ્રા-બારાઈ, વિરમગામ, બારડોલી, બીલીમોરા, સોનગઢ, વલસાડ, સાણંદ, હળવદ, ગણદેવી, ધરમપુર, દાહોદ, ખંભાત, દ્વારકા, પાદરા, બાબરા, માણસા, ધ્રાંગધ્રા નગરપાલિકાઓ, વડોદરા અને ભાવનગર મહાનગરપાલિકા તેમજ ભાવનગર અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળને વિવિધ વિકાસ કામોની ભેટ મળી
નગરોમાં પર્યાવરણ શુદ્ધિ અને સીટી બ્યુટીફિકેશનના હેતુથી ૨૫ નગરપાલિકાઓમાં નવીન બગીચા-ગાર્ડન બનાવવા ૪૦ કરોડ રૂપિયા ફાળવાશે
નાગરિકોની વાંચન ભૂખ સંતોષવા તથા વૈશ્વિક પ્રવાહોથી લોકોને માહિતગાર કરવા ૧૩ નગરોમાં લાઇબ્રેરી-ગ્રંથાલય નિર્માણ માટે ૩૯ કરોડ રૂપિયા ફાળવવા મંજૂરી
૨૨ નગરપાલિકાઓના હયાત ગ્રંથાલયોને અદ્યતન અને સ્માર્ટ ગ્રંથાલય બનાવવા રૂપિયા ૩૩ કરોડની ફાળવણી
સ્ટોર્મ વોટર ડ્રેનેજ – આઉટ ગ્રોથ વિસ્તાર વિકાસ – શહેરી સડક યોજના – ખાનગી સોસાયટી જન ભાગીદારી યોજના અને રેલવે ઓવરબ્રિજ માટે રૂ. ૪૯૩.૪૮ કરોડ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી જનસુખાકારી અને નાગરિકોનું ઇઝ ઓફ લિવિંગ વધે તે માટે રાજ્યની વિવિધ નગરપાલિકાઓ-મહાનગરપાલિકાઓમાં શહેરી વિકાસના કામો માટે એક જ દિવસમાં રૂ. ૬૦૫.૪૮ કરોડ મંજૂર કર્યા છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૧૦માં શરૂ કરાવેલી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના-SJMSVY અંતર્ગત મંજૂર કરાયેલી આ રકમમાંથી સ્ટોર્મ વોટર ડ્રેનેજ, તળાવ બ્યુટિફિકેશન, શહેરી સડક યોજના, પાણી પુરવઠા, આઉટ ગ્રોથ વિકાસ અને રેલવે ઓવરબ્રિજ સહિતના કામો હાથ ધરાશે.મુખ્યમંત્રીશ્રીએ મંજૂર કરેલી આ રકમનો લાભ લીંબડી, માંડવી-કચ્છ, મુંદ્રા-બારાઈ, વિરમગામ, બારડોલી, બીલીમોરા, વલસાડ, સોનગઢ, સાણંદ, હળવદ, ગણદેવી, ધરમપુર, દાહોદ, ખંભાત, દ્વારકા, પાદરા, બાબરા, માણસા, ધ્રાંગધ્રા નગરપાલિકાઓ, વડોદરા અને ભાવનગર મહાનગરપાલિકા તેમજ ભાવનગર અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળને વિવિધ વિકાસ કામો માટે મળવાનો છે.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો – શહેરોમાં વસવાટ કરતા નાગરિકોને પાણી, વીજળી, ગટર, રસ્તા જેવી ભૌતિક આંતર માળખાકીય સુવિધાઓ સુચારુ રીતે પૂરી પાડવા સાથે પર્યાવરણ પ્રિય વાતાવરણ અને વૈશ્વિક પ્રવાહોથી પરિચિત રાખતી વાંચન પ્રવૃત્તિનો પણ વ્યાપ વધારવાનો સર્વગ્રાહી શહેરી જન જીવન સુખાકારીનો અભિગમ અપનાવ્યો છે.
નગરોમાં વધતા જતા વિકાસને અનુલક્ષીને પર્યાવરણ જાળવણી-શુદ્ધિ અને સીટી બ્યુટીફિકેશનના હેતુસર રાજ્યની ૨૫ નગરપાલિકાઓને નવીન બાગ બગીચા વિકસાવવા માટે ૪૦ કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આપી છે.સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે નગરપાલિકાઓમાં બાગ-બગીચા વિકસાવી સીટી બ્યુટીફિકેશન થાય અને લોકોને હરવા ફરવાના સ્થળો ઉપલબ્ધ થાય તેવા અભિગમ આ યોજનામાં અભિપ્રેત છે.
મુખ્યમંત્રીશ્રીએ નગરોમાં વસતા લોકોની વાંચન ભૂખ સંતોષવા ૧૩ નગરપાલિકાઓને ગ્રંથાલય-લાઇબ્રેરી નિર્માણ માટે નગરપાલિકા દીઠ રૂ. ૩ કરોડ મળી કુલ ૩૯ કરોડ રૂપિયા ફાળવ્યા છે.એટલું જ નહીં, ૨૨ નગરપાલિકાઓમાં હાલ કાર્યરત ગ્રંથાલયના ભવનના રિનોવેશન કરીને સ્માર્ટ ગ્રંથાલય તરીકે પ્રસ્થાપિત કરવા પ્રત્યેકને રૂ. ૧.૫૦ કરોડ પ્રમાણે કુલ ૩૩ કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
નગરપાલિકાઓને આઉટગ્રોથ વિસ્તારોના વિકાસ માટે રૂ. ૧૫.૭૨ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. તેમાં હળવદને ભૂગર્ભ ગટર, સીસી રોડ, પાણીની લાઈન અને સ્ટ્રીટ લાઈટના કામો માટે રૂ. ૪.૪૯ કરોડ, ગણદેવીને જલારામ મંદિરથી કસ્બાવાડી રેલવે ફાટક સુધી તથા ધનોરી રોડ પર સ્ટ્રીટ લાઈટના કામો માટે રૂ. ૭૨.૬૯ લાખ, દ્વારકા નગરપાલિકામાં રેલવે અન્ડરબ્રિજ ટુ ટ્રેક સી.સી. રોડ બનાવવા રૂ. ૪.૬૨ કરોડ, ધરમપુરને સ્ટ્રીટ લાઈટના કામો માટે રૂ. ૧.૯૦ કરોડ અને લીંબડીને સીસી રોડના કામો માટે ૩.૭૭ કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે.
ખંભાત અને દાહોદ નગરપાલિકાને પાણી પુરવઠા યોજના માટે રૂ. ૧૧૨.૫૩ કરોડની ફાળવણી કરવામાં આવી છે. જે અંતર્ગત ખંભાત શહેરમાં નવા વોટર સપ્લાય નેટવર્ક પ્રોજેક્ટ માટે રૂ. ૬૬.૧૧ કરોડ તથા દાહોદ નગરપાલિકાને પાણી પુરવઠાની કામગીરી માટે રૂ. ૫૬.૪૨ કરોડ મંજૂર કરાયા છે. આ રકમમાંથી દહોદમાં પાટા ડુંગરી ડેમથી અલગ પાઈપલાઈનની કામગીરી તથા નગરપાલિકાના તમામ વોટરવર્ક્સને ઇન્ટરકનેક્ટ કરવાના કામો કરવામાં આવશે.
સાણંદ, વિરમગામ નગરપાલિકા અને ભાવનગર શહેરી વિકાસ સત્તામંડળને સિટી અને તળાવ બ્યુટિફિકેશન માટે રૂ. ૨૬.૩૫ કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેમા સાણંદ નગરપાલિકા વિસ્તારમાં મહત્વના રસ્તાઓ પર બ્યુટિફિકેશનની કામગીરી માટે રૂ. ૧૩.૫૦ કરોડ, વિરમગામ નગરપાલિકાને તળાવ બ્યુટિફિકેશનના કામ માટે રૂ. ૬.૪૨ કરોડ અને ભાવનગર શહેરી વિકાસ સત્તામંડળને ઘોઘા ગામસર તળાવના બ્યુટિફિકેશન માટે રૂ. ૬.૪૩ કરોડ ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.આ ઉપરાંત ભાવનગર મહાનગરપાલિકાને કરચલિયા પરા વિસ્તારમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજના કામો માટે રૂ. ૯૯.૮૯ કરોડ તથા માંડવી-કચ્છ નગરપાલિકાને ૧૬.૮૬ કરોડ અને મુંદ્રા-બારાઈ નગરપાલિકાને ૧.૬૪ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યાં છે.
મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત વિવિધ નગરપાલિકાઓને શહેરી રસ્તાઓના નિર્માણ માટે પણ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રૂ. ૧૫.૨૯ કરોડની ગ્રાન્ટ મંજૂર કરી છે. તે અંતર્ગત બારડોલીને ૯૯.૫૨ લાખ, સોનગઢને ૨૯.૭૪ લાખ, વલસાડને ૧.૦૨ કરોડ, બીલીમોરાને ૭૦.૧૫ લાખ, સાણંદ નગરપાલિકાને ૪૦ લાખ, પાદરા નગરપાલિકાને ૪૨.૯૦ લાખ, બાબરા નગરપાલિકાને ૩.૬૭ કરોડ તેમજ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળને ૭.૭૮ કરોડ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી છે.
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનામાં વડોદરા મહાનગરપાલિકાને સીસી રોડ તથા પેવર બ્લોક માટે ઉત્તર ઝોનના ૧૨ કામો માટે ૨.૦૨ કરોડ રૂપિયા તેમજ દક્ષિણ ઝોનના ૧૫ કામો માટે ૨.૦૮ કરોડ રૂપિયા મળી કુલ ૪.૧૦ કરોડ રૂપિયા તથા માણસા નગરપાલિકાને ૩૫.૨૨ લાખ રૂપિયા ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.આ ઉપરાંત વડોદરા મહાનગરપાલિકામાં શહેરની આગવી ઓળખના વિકાસ કાર્યો માટે કુલ 104 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યાં છે.
આ કામોમાં લાલકોર્ટ ઇમારતના આધુનિકીકરણ માટે રૂ. ૪૦ કરોડ, કમાટીબાગ પાસે નવીન ફુટ ઓવરબ્રિજ માટે રૂ. ૧૨ કરોડ, ગોત્રી તળાવ ખાતે યોગ સેન્ટર અને લાઈબ્રેરી માટે રૂ. ૨.૫૦ કરોડ, હરણી તળાવ ખાતે યોગ સેન્ટર અને લાઈબ્રેરી માટે રૂ. ૨.૫૦ કરોડ, નવનાથ મંદિરોના ગેટ માટે રૂ. ૨ કરોડ, ગાંધીનગર-ગૃહના નવીનીકરણ માટે ૧૦ કરોડ, સમા ખાતે નગરગૃહ માટે રૂ. ૨૦ કરોડ, કામનાથ મંદિર અને કમાટીબાગને જોડતા વોકિંગ બ્રિજ માટે રૂ. ૧૦ કરોડ તેમજ પારેશ્વર મહાદેવ મંદિરથી ગોત્રી ગાર્ડનને જોડતા આર.સી.સી. કેબલ વોકિંગ બ્રિજના કામોનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રીશ્રીએ આ ઉપરાંત નાગરિકોને ટ્રાફિકમાંથી મુક્તિ અપાવવા તથા યાતાયાતને વધુ સુગમ બનાવવાના હેતુથી દ્વારકા અને ધ્રાંગધ્રા નગરપાલિકાને રેલવે ઓવરબ્રિજ માટે રૂ. ૮૮.૮૮ કરોડ મંજૂર કર્યા છે. તેમાં દ્વારકા નગરપાલિકાને રૂ. ૪૯.૮૭ કરોડ અને ધ્રાંગધ્રા નગરપાલિકાને રૂ. ૩૯.૦૧ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.આ સમગ્રતયા વિકાસકામોથી નગરપાલિકાઓ, મહાનગરપાલિકા અને શહેરી વિકાસ સત્તામંડળોના વિસ્તારોની શહેરી સુખાકારીમાં વધારો થશે અને નાગરિકોને વધુ સારી સુવિધાઓ મળશે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ