નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં એકેડેમિક કાઉન્સિલની બેઠક યોજાઈ.

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં એકેડેમિક કાઉન્સિલની બેઠક યોજાઈ, જેમાં ૨૦ જેટલા સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને યુનિવર્સિટીના વિકાસ તેમજ શિક્ષણક્ષેત્રના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા યોજાઈ.

આ બેઠકમાં કુલ ૬૮ જેટલા શૈક્ષણિક અને વહીવટી મુદ્દાઓ પર વિચાર વિમર્શ અને સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં અભ્યાસ સમિતિ દ્વારા રજૂ કરાયેલા નવા સિલેબસને મંજૂરી આપવામાં આવી હતી. સાથે સાથે એલ.આઈ.સી. દ્વારા યુનિવર્સિટીને આપવામાં આવેલા એફિલિએશન રિપોર્ટને પણ બહાલ કરવામાં આવ્યો હતો.

યુનિવર્સિટીની નીતિ, શિક્ષણ પદ્ધતિ અને વહીવટ સંબંધિત વિવિધ વિષયોની ગહન ચર્ચા બાદ અમુક નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા, જે આગામી સત્રથી અમલમાં આવશે. આ બેઠક વર્ષ ૨૦૨૫ની એકેડેમિક કાઉન્સિલની બીજી બેઠક રહી હતી.

કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણે સભ્યોને સંબોધતા કહ્યું હતું કે, “શિક્ષણ અને કેળવણી એ માનવ જીવનની બે આંખો છે, જે માત્ર રોજગારી પૂરતી મર્યાદિત નથી પરંતુ સંપૂર્ણ વ્યક્તિવિકાસ માટે અગત્યની છે. શિક્ષણ વિદ્યાર્થીને આત્મવિશ્વાસ આપશે અને કેળવણી દ્વારા સંસ્કાર વિકસશે.”

તેમણે આગળ કહ્યું કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) શિક્ષણ વ્યવસ્થામાં ગુણવત્તા, સ્વતંત્રતા અને વૈવિધ્યતા લાવવાનું મુખ્ય હેતુ ધરાવે છે અને આજની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયો યુનિવર્સિટીના શૈક્ષણિક અને વહીવટી સ્તરે ગતિશીલતા લાવશે.

આ બેઠક શિક્ષણક્ષેત્રે નવી દિશા નિર્ધારિત કરતી બની હતી અને ભવિષ્યમાં નરસિંહ મહેતા યુનિવર્સિટીને વધુ એકેડેમિક રીતે સશક્ત બનાવવાનું દિશાનિર્દેશ આપે તેવા નિર્ણયો લેવાયા હતા.


📌 અહેવાલ:
નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ