નવસારીના દરગાહ રોડ પાસે જૂથ અથડામણમાં પથ્થરમારો, એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવસારીના દરગાહ રોડ નજીક ટેકનિકલ હાઈસ્કૂલ સામે બે કોમ વચ્ચે અફવાઓને કારણે જૂથ અથડામણ સર્જાઈ હતી. જેમાં પાર્કિંગ બાબતે થયેલી માથાકૂટ વિવાદનું ઘર બની હતી.આદિવાસી પરિવારો સાથે પાર્કિંગ મુદ્દે થયેલી માથાકૂટમાં પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.મળતી માહિતી અનુસાર મહિલાઓનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ હિન્દુ સંગઠનોએ રામધૂનનું આયોજન કર્યું હતું. રામ ધુન બાદ ટોળું કાગદી વાડ તરફ ધસી આવ્યુ હતું, પોલીસે તેને વિખેરી નાખ્યું હતું.ટોળાને વિખેરતા કેટલાક તત્વોએ પથ્થરમારો કર્યો હતો.આ પથ્થરમારામાં એક મહિલા ઘાયલ થતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ઘટનાને પગલે જિલ્લા પોલીસવડા સહિતનો કાફલો ટેકનિકલ હાઇસ્કુલ પાસે ખડકી દેવામાં આવ્યો હતો.જોકે હાલમાં ટેકનિકલ હાઇસ્કુલ અને કાગદીવાદ વિસ્તારમાં સ્થિતિ કાબુમાં છે.