નવસારીમાં મધર્સ ડેની અનોખી ઉજવણી: માતૃશક્તિને સમર્પિત કાર્યક્રમમાં ભાવુક ક્ષણો

નવસારી:

મધર્સ ડે નિમિત્તે નવસારીના પ્રજાપતિ આશ્રમ ખાતે આવેલ સંગમ એકેડેમીમાં પ્રગતિ એજ્યુકેશન ટ્રસ્ટ અને તપસ્યા નારી સેવા સમિતિ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે માતૃશક્તિનું સન્માન કરતા ભાવનાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ માતાના અમૂલ્ય યોગદાનને માન અપાવાનો હતો. સંગમ એકેડેમીમાં ઉપસ્થિત દરેક માતાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું અને ટ્રસ્ટના સભ્યોએ માતાઓના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા હતા. કાર્યક્રમ દરમિયાન વિવિધ મહેમાનો અને વક્તાઓએ માતાના મહત્વ અને તેમના સમાજમાં નોંધપાત્ર યોગદાન પર સુંદર વિચારો રજૂ કર્યા હતા.

પ્રગતિ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ અબરાર મલેકે મહેમાનોનું હાર્દિક સ્વાગત કર્યું હતું. તપસ્યા નારી સેવા સમિતિની અધ્યક્ષ રિષિદા ઠાકુરે નવસારી કિન્નર સમાજના પ્રમુખ નાયક પૂનમ કુવરનું વિશિષ્ટ સ્વાગત કર્યું હતું, જ્યારે ગુરુકુલ પ્રમુખ જયંતિભાઈ પટેલ પણ વિશેષ ઉપસ્થિતિમાં રહ્યા હતા.

આ પ્રસંગે સંગમ એકેડેમીના પ્રમુખ અહમદ શેખ દ્વારા સિંગિંગ પ્રોગ્રામ પણ યોજાયો હતો જેમાં સ્થાનિક કલાકારો તેમજ એડવોકેટ પ્રતાપસિંહ મહિડાએ મધુર ગીતોની રજુઆત કરી હતી. માતાઓએ પણ સંગીતમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ અભિવ્યક્તિ વ્યક્ત કરી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટના તમામ સભ્યો અને ખાસ કરીને વિદ્યાર્થીઓની માતાઓએ નોંધપાત્ર હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન માતાઓના ચહેરા પર સંતોષ અને આનંદની ઝલક જોઈ શકાયતી હતી.

ટ્રસ્ટના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, “આ પ્રકારના કાર્યક્રમો દ્વારા માતૃશક્તિની માન્યતા વધે છે અને અમે ભવિષ્યમાં પણ આવા ઉમદા આયોજન કરતા રહીશું.”