નવસારી જિલ્લામાં ત્રણ એનિમલ મેડિકલ વાન સહિત પશુ ચિકિત્સકોની ટીમ મેદાનમાં

કોઈ ઘાયલ પશુ-પક્ષી દેખાય તો ટોલ ફ્રી નંબર ૧૯૬૨ પર ફોન કરીને અબોલ જીવને બચાવવામાં સહયોગ કરો

ઉત્તરાયણ પર્વમાં પતંગની દોરીથી ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર કે સંરક્ષણ માટે ગુજરાત સરકારની એક પહેલ એટલે કે ‘કરુણા અભિયાન- ૨૦૨૫’ અંતર્ગત નવસારી જિલ્લામાં એક કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ અને ફરતા પશુ દવાખાનાની બે વાન કાર્યરત છે. આ કરૂણા અભિયાન તા. ૧૬/૦૧/૨૦૨૫ ને ગુરૂવાર સુધી ચાલુ છે, ત્યારે ટોલ ફ્રી નંબર ૧૯૬૨ પર ફોન કરીને અબોલ જીવનો જીવ બચાવવામાં સહયોગ પ્રદાન કરવાની પશુપાલન અને ઈ.એમ.આર. આઈ. ગ્રીન હેલ્થ સર્વિસીઝ તરફથી લોકોને વિનંતી કરવામાં આવી છે. મહત્વનું છે કે, નવસારી જિલ્લામાં ત્રણ એનિમલ મેડિકલ વાન સાથે ત્રણ પશુ ચિકિત્સક અને ઈ.એમ.આર. આઈ. ગ્રીન હેલ્થ સર્વિસીઝના પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર ખડે પગે છે. ઉત્તરાયણના દિવસે પણ અનેક પશુ-પશુઓને નવજીવન આપવાનું ભગીરથ કાર્ય આ ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

અહેવાલ: આરીફ શેખ (નવસારી)