નવસારી જિલ્લામાં ત્રિ-દિવસીય આયુષ મેળાનું આયોજન

શુક્રવારે વાંસદા તાલુકામાં, શનિવારે ગણદેવીમાં અને સોમવારે ચીખલી તાલુકામાં આયુષ મેળો યોજાશે

વિનામૂલ્યે આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન‌-સારવાર કેમ્પનું આયોજન


રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની આયુષ કચેરી તેમજ નવસારી જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા નવસારી જિલ્લામાં ત્રિ-દિવસીય આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તા. તા. ૧૦/૦૧/૨૦૨૫ ને શુક્રવારના રોજ વાંસદા તાલુકામાં ગાંધી મેદાન ખાતે; તા. ૧૧/૦૧/૨૦૨૫ ને શનિવારના રોજ ગણદેવી સ્થિત ગણદેવી સુગર ફેક્ટરી હોલ ખાતે અને તા. ૧૩/૦૧/૨૦૨૫ ને સોમવારના રોજ ચીખલી તાલુકામાં દેગામ સ્થિત સાંઈબાબા મંદિરની સામે આવેલા પ્રજાપતિ સદનમાં સવારે ૧૦:૩૦ થી ૩:૦૦ કલાક દરમિયાન આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિનામૂલ્યે આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન‌-સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આયુષ મેળામાં આયુર્વેદ અને હોમિયોપેથિક પદ્ધતિ દ્વારા વિવિધ રોગોનું નિદાન, સારવાર તેમજ જરૂરી માર્ગદર્શન સ્થળ પર જ આપવામાં આવશે. આ આયુષ મેળામાં સંધિવાત તેમજ સાંધાના રોગો માટે તુરંત લાભદાયક એવી પંચકર્મ સારવાર, આયુર્વેદની પ્રાચીન અગ્નિકર્મ પદ્ધતિ દ્વારા પેઇન મેનેજમેન્ટ, ડાયાબીટીસ-હદયરોગ-બ્લડ પ્રેશર, ગેસ, અપચો, કબજીયાત, એસિડિટી, જૂનો મરડો વગેરે પાચન સંબધિત રોગો; શ્વાસ, કફ, જૂની શરદી, ઉધરસ જેવા શ્વસન સંબધિત રોગો; ધાધર ,ખરજવું ,ખીલ, સોરાયસીસ, ઊંદરી જેવા ચામડીના તેમજ અકાળે વાળ સફેદ થવા ખરવા વગેરે રોગો; નિ:સંતાનપણું, માસિકની સમસ્યા સફેદ પાણી વગેરે સ્ત્રી રોગ સંબંધિત રોગોની સારવાર આપવામાં આવશે.

તદુપરાંત આયુષ મેળામાં બાળકોમાં રોગ પ્રતિકારક શકિત વધે તે માટે જન્મથી ૧૨ વર્ષ સુધીના બાળકોને સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવામાં આવશે. આરોગ્ય માટે લાભપ્રદ આયુર્વેદ ઔષધિયુક્ત હર્બલ ટીનું વિતરણ કરવામાં આવશે. યોગ નિષ્ણાત દ્વારા યોગ અને પ્રાણાયામ વિશે માર્ગદર્શન આપવામાં આવશે. આ સાથે જ વૃદ્ધાવસ્થાના રોગોની વિશેષ સારવાર, પ્રકૃતિ પરીક્ષણ અને પથ્યાપથ્ય માર્ગદર્શનનું આયોજન કરવામા આવશે. જાહેર જનતાને આયુર્વેદ ઔષધીય વનસ્પતિની ઓળખ થાય અને દૈનિક જીવનમાં આયુર્વેદ ઔષધિનો ઉપયોગ કરે તે હેતુથી આયુર્વેદ ઔષધીય વનસ્પતિઓનુ પ્રદશન તેમજ જરુરી ચાર્ટ પ્રદર્શન કરવામા આવશે. આયુષ મેળામાં વાંસદા ખાતે ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, વાંસદા અને ગણદેવી ખાતે ગણદેવી સુગર ફેક્ટરી સેવા આપનાર સહયોગી સંસ્થા છે. આયુષ મેળામાં વલસાડની શ્રી આર.એમ.ડી આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલના નિષ્ણાત તબીબો દ્વારા સેવા આપવામાં આવશે. વાઘલધરા હોસ્પિટલ દ્વારા કેમ્પમાં આવનાર જરૂરિયાતમંદ દર્દીઓને હરસ, મસા, ભગંદરનું વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે. આ કેમ્પનો બહોળા પ્રમાણમાં લાભ લેવા માટે જિલ્લા આયુર્વેદ અધિકારીની અખબારી યાદીમાં જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.


અહેવાલ: આરીફ શેખ (નવસારી)