નવસારી જિલ્લા સેવા સદનમાં “મંગલમ” કેન્ટીનનું ઉદ્ઘાટન : મહિલા સશક્તિકરણને મળ્યું નવું પંખ!

નવસારી : શનિવાર
નવસારી જિલ્લા સેવા સદનના ગ્રાઉન્ડ ફ્લોર ખાતે ગાયત્રી સખી મંડળ દ્વારા સંચાલિત “મંગલમ” કેન્ટીનનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ કેન્ટીનનો પ્રારંભ મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભર ભારતના વિઝન માટે એક મહત્વપૂર્ણ પગથિયો સાબિત થશે.

કેન્ટીનના ઉદ્ઘાટન પ્રસંગે નવસારી કલેક્ટર ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા અને વાંસદા પ્રયોજન વહીવટદાર પ્રણવ વિજયવર્ગીય ઉપસ્થિત રહી ગાયત્રી સખી મંડળની બહેનોને ઉત્સાહ આપ્યો.

આ કેન્ટીન જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી શરૂ કરવામાં આવી છે, જેમાં સખી મંડળની મહિલાઓ દ્વારા પૌષ્ટિક નાસ્તા અને સારા ગુણવત્તાવાળા ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે.

કેન્ટીન નવસારી કલેક્ટર કચેરીના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ છે અને તેની સેવાઓ નાગરિક સુવિધા કેન્દ્ર અને આસપાસની સરકારી કચેરીઓમાં આવતા નાગરિકો તથા કર્મચારીઓ માટે ઉપલબ્ધ રહેશે.

આ પ્રસંગે અધિક નિવાસી કલેક્ટર વાય.બી. ઝાલા, નાયબ કલેક્ટર કેયુર ઈટાલિયા, એસ.કે. ખુમાણ તથા જિલ્લા સેવા સદનના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સ્થળ: નવસારી
અહેવાલ: આરીફ શેખ