નવસારી મહાનગર પાલિકા: સેવા – સુવિધા – સહકારનવસારી મહાનગર પાલિકાના લોગોનું અનાવરણ કરતા કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલકેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલે ‘સ્વચ્છ નવસારી મહાનગર’ માટે ૨૧ વાહનોનું લોકાર્પણ કર્યું.

નવસારી જિલ્લા માટે પાંચ અત્યાધુનિક એમ્બ્યુલન્સનું પણ લોકાર્પણ કર્યું


કેન્દ્રીય જળ મંત્રી શ્રી સી આર પાટીલે આજે નવસારી મહાનગર પાલિકાના લોગોનું અનાવરણ કરીને નવસારીને નવી ઓળખ આપી હતી તેમજ નવસારી મહાનગરવાસીઓને સ્વચ્છતાની ભેટ આપી હતી.

શ્રી સી. આર. પાટીલે નવસારી મહાનગર પાલિકામાં સ્વચ્છતા માટેની માળખાકીય સુવિધામાં વધારો થાય તે માટે ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન માટે ૧૩ મોટા વાહન અને ૮ ટ્રેક્ટર-ટ્રેલરનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે જ શ્રી પાટીલે નવસારી જિલ્લાની જાહેર આરોગ્ય સુખાકારીમાં વધારો થાય તે માટે પાંચ અત્યાધુનિક એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું હતું.

શ્રી સી. આર. પાટીલે નવસારી મહાનગરના સર્વાંગી વિકાસ માટે, શહેરને પાયાની માળખાકીય સુવિધાઓ અને વહીવટ સુવિધાઓ પ્રદાન કરવા માટે નવસારી મહાનગર પાલિકાના કમિશનર શ્રી દેવ ચૌધરી સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો સહ પ્રેરણાદાયી માર્ગદર્શન આપી મહત્વની ચર્ચા કરી હતી.

આ પ્રસંગે નવસારી મહાનગર પાલિકાના કમિશનર શ્રી દેવ ચૌધરી, જિલ્લા કલેક્ટરશ્રી અને એન. એમ. સી. ના વહીવટદાર શ્રી ક્ષિપ્રા આગ્રે, ધારાસભ્ય શ્રી નરેશ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈ, અગ્રણી શ્રી ભૂરાભાઈ શાહ, ડીડીઓ શ્રી સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તેમજ નવસારીના પ્રાંત અધિકારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા.


અહેવાલ: આરીફ શેખ (નવસારી)