નવસારી રંગૂન નગરના રહિશોનો રસ્તા માટે આક્રોશ, નવસારી શહેરના મહત્તમ રસ્તાઓ બની રહ્યા છે પરંતુ આ વિસ્તારમાં કોઈ નવા રસ્તા નહી!! 12 વર્ષથી નવા માર્ગની રાહ!

નવસારી: નવસારીના વોર્ડ નં 4 રંગૂન નગર વિસ્તારમાં છેલ્લાં 12 વર્ષથી રસ્તો ન બનવાને કારણે સ્થાનિક રહિશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સમયે સમયે ઘર વેરો ભરવા છતાં પ્રાથમિક સુવિધા નહી મળતા સ્થાનિકોએ આ અંગે નવસારી જિલ્લા કલેક્ટર શ્રી, નવસારી મહાનગરપાલિકાને આવેદનપત્ર પાઠવીને તાત્કાલિક ધોરણે રસ્તો બનાવવાની માંગ કરી છે સાથે આ વિસ્તારોમાં વરસાદી ઋતુ માં વરસાદી પાણનો નિકાલ, ડ્રેનેજ વિગેરે ન કારણે અનેક સમસ્યાઓ રહીશો ભોગવી રહ્યા છે રહિશોનું કહેવું છે કે ભારે વરસાદમાં આ વિસ્તારમાં પાણી ભરાઈ જવાને કારણે રસ્તો સાવ બિસ્માર હાલતમાં પહોંચી ગયો છે. આ વિસ્તારમાં ચોમાસા દરમિયાન પૂર આવવાથી રસ્તાની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે. ખાડા પડી જવાને કારણે વાહન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે એટલું જ નહીં તંત્ર દ્વારા સામાન્ય પેચવર્ક પણ કરવામાં આવ્યું નથી. જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તાર સાથે ભેદભાવ રાખવામાં આવતો હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. તેમના કહેવા પ્રમાણે અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી. હાલમાં નવસારી શહેરી વિસ્તારોમાં મહત્તમ રસ્તાઓ બની રહ્યા છે પરંતુ આ વિસ્તારોમાં કોઈ પણ પ્રકાર ની કામગિરી કરવામાં આવતી નથી જેના કારણે રહિશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો તાત્કાલિક ધોરણે રસ્તો બનાવવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

અહેવાલ: આરીફ શેખ, નવસારી