નવસારી સબ જેલ પાસેના વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની તીવ્ર સમસ્યા યથાવત, રહીશો તંત્ર સામે ઉગ્ર

નવસારી: શહેરમાં થોડા વરસાદે જ તંત્રના દાવાઓની પોલ ખૂલી ગઈ છે. તાજેતરના સામાન્ય વરસાદમાં પણ નવસારીના સબ જેલ વિસ્તારમાં દોઢથી બે ફૂટ જેટલું પાણી ભરાઈ જતા સ્થાનિક રહીશો ત્રાહિમામ થઈ ગયા છે. છેલ્લાં ત્રણ વર્ષથી યથાવત રહીેલી આ સમસ્યા અંગે અનેકવાર ફરિયાદો થવા છતાં કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. પરિણામે સ્થાનિક રહીશો હવે તંત્રની કામગીરી સામે ઉગ્ર બન્યા છે.

સબ જેલ નજીકના કોર્ટ સંકુલ, ટાગોર સોસાયટી અને પોલીસ લાઈન વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં નોકરીએ જતાં લોકો, વિદ્યાર્થીઓ અને રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રહીશોનું કહેવું છે કે દર વર્ષે આવું જ દૃશ્ય સર્જાય છે છતાં પણ તંત્ર બેફિકર છે.

વર્ષોથી રજૂઆતો છતાં તંત્ર નિષ્ક્રિય
ટાગોર સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે, “અમે છેલ્લા કેટલાય સમયથી નવસારી મહાનગરપાલિકામાં લેખિત અને મૌખિક રજૂઆતો કરી રહ્યાં છીએ, છતાં કોઈ અસર થતી નથી. માત્ર આશ્વાસન મળે છે, કાર્યવાહી નહીં.”

ખોટા વિસ્તારમાં ગટર લાઈન, જ્યાં જરૂર ત્યાં અવગણના
હેરાનગતિની વાત એ છે કે જ્યાં સમસ્યા નથી એવા વિસ્તારોમાં લાખો રૂપિયાની નવી વરસાદી ગટર લાઈન નાખવામાં આવી છે, જ્યારે સબ જેલ વિસ્તાર જેવી ગંભીર સમસ્યા વાળા વિસ્તારો માટે કોઈ પગલાં લેવાતા નથી. લોકોએ તંત્ર પર પ્રજાના પૈસાનો દુરુપયોગ કરવાનો આક્ષેપ પણ કર્યો છે.

પ્રી-મોન્સુન કામગીરીના દાવાઓ પોકળ સાબિત
દર વર્ષે મ્યુનિસિપલ તંત્ર દ્વારા મોન્સૂન પૂર્વ તૈયારીના મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ માત્ર થોડા વરસાદમાં જ પાણી ભરાઈ જતાં તંત્રની નબળી કામગીરી એક્સપોઝ થઈ ગઈ છે.

ભવિષ્યમાં વિકટ પરિસ્થિતિની ચેતવણી
રહીશો ચેતવી રહ્યા છે કે જો સમયસર સમસ્યા ન ઉકેલાય તો આગામી ભારે વરસાદમાં પરિસ્થિતિ કાબૂ બહાર જઈ શકે છે. હવે રહીશો તંત્રની ઉચ્ચ સ્તરે તપાસ અને જવાબદારો સામે પગલાં લેવાની માંગ કરી રહ્યાં છે.

📝 અહેવાલ: આરીફ શેખ, નવસારી