ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સી.એલ. કોલેજ કેમ્પસ ખાતે કાર્યરત ઇતિહાસ, ગુજરાતી અને સંસ્કૃત અનુસ્નાતક ભવનમાં નવા શૈક્ષણિક સત્ર વર્ષ ૨૦૨૫–૨૬ માટે પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું “સ્વાગતમ્ – અભિવાદનમ્” કાર્યક્રમ યોજાયો. મુખ્ય મહેમાન તરીકે ડી.લિટ્ વિદ્યાવાચસ્પતિ પદથી અલંકૃત તથા જાણીતા ભાગવત કથાકાર શાસ્ત્રીશ્રી ડૉ. મહાદેવ પ્રસાદ મહેતા ઉપસ્થિત રહ્યા.
કાર્યક્રમની શરૂઆત સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વાઈલ્ડલાઈફ એન્ડ કન્ઝર્વેશનના નિયામક ડૉ. નિશિત ધારૈયાના સ્વાગત ભાષણથી થઈ. તેમણે આમંત્રિત મહેમાનોને ગ્રંથ અને પુષ્પ અર્પણ કરી સન્માનિત કર્યા. પ્રો. વિશાલ જોષીએ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના અભ્યાસ માળખાની વિસ્તૃત છણાવટ કરી, જીવનમાં આગળ વધવા માટે આધ્યાત્મિકતા અને શિક્ષણના સંયોજનનું મહત્વ સમજાવ્યું અને કર્મનિષ્ઠાથી કાર્ય કરવાની પ્રેરણા આપી.
વિદ્યાર્થીઓને દુરવાણી મારફતે સંબોધતા પ્રો. પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યું કે માનવી પોતાની દ્રષ્ટિ છોડીને સામેવાળાની દ્રષ્ટિ અપનાવે તો જગતના અડધા પ્રશ્નો આપોઆપ ઉકેલી શકાય. શિક્ષણ માત્ર બુદ્ધિનો વિકાસ જ નથી કરતું, પરંતુ વ્યક્તિત્વ ઘડતર અને સર્વાંગી વિકાસ માટેનું મજબૂત સાધન છે.
મુખ્ય મહેમાન શાસ્ત્રી ડૉ. મહાદેવ પ્રસાદ મહેતાએ પોતાના પ્રેરણાદાયક સંબોધનમાં જણાવ્યું કે શ્રેષ્ઠ શિક્ષણ ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં અને વ્યાવસાયિક કારકિર્દી ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. શિક્ષણ એ સામાજિક તેમજ વ્યક્તિગત જીવનનો અવિવાજ્ય ભાગ છે અને જીવનની અનેક સમસ્યાઓનો ઉકેલ શિક્ષણ દ્વારા શક્ય છે.
કાર્યક્રમ દરમિયાન ગુજરાતી ભવનની વિદ્યાર્થીનીઓએ નરસિંહ મહેતાના ભજનો અને ગુજરાતી સાહિત્યની કવિતાઓનું મર્મસ્પર્શી પ્રસ્તુતિ આપી. સંસ્કૃત ભવનના અધ્યાપક ડૉ. મૌલિક કેલૈયાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ સંસ્કૃત શ્લોકોનું ગાન કર્યું, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું.
આ પ્રસંગે રસાયણશાસ્ત્ર વિભાગના વડા ડૉ. અતુલ એચ. બાપોદરા, ડૉ. લલિત પરમાર, ડૉ. રમેશ ચૌહાણ સહિતના અધ્યાપકો, સિનીયર વિદ્યાર્થીઓ અને શોધ સ્કોલર્સ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમનું સંચાલન ગુજરાતી વિભાગના અધ્યાપક ડૉ. પારુલ એલ. ભંડેરીએ કર્યું જ્યારે આભાર વિધાન ડૉ. કિશોર એન. વાળાએ વ્યક્ત કર્યું.