નવી દિલ્હીમાં ટેક્ષ્ટાઇલ મંત્રાલયની મહત્વની મીટિંગ, ચેમ્બર ઓફ કોમર્સે આત્મનિર્ભરતા તરફના સૂચનો રજૂ કર્યા

સુરત:
ભારત સરકારના ટેક્ષ્ટાઇલ મંત્રાલય દ્વારા નવી દિલ્હીમાં ટેક્ષ્ટાઇલ મશીનરી પોલિસી અંગે મહત્ત્વપૂર્ણ મિટીંગ યોજાઈ હતી. ટેક્ષ્ટાઇલ કમિશનર શ્રી એમ. બીના ની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ટેક્ષ્ટાઇલ મશીનરી પરના ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર (OTR-QCO)ને એક વર્ષ માટે લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. સાથે સાથે દેશ કેવી રીતે ટેક્ષ્ટાઇલ મશીનરીના ક્ષેત્રે આત્મનિર્ભર બની શકે તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં દેશભરના ટેક્ષ્ટાઇલ મશીનરીના ઉત્પાદકો તથા યુઝર ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓ, CITI (કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રી) તથા સુરતના ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI)ના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

SGCCI તરફથી ઉપપ્રમુખ અશોક જીરાવાલા, પૂર્વ પ્રમુખ વિજય મેવાવાલા અને આશીષ ગુજરાતીએ ચેમ્બરની તરફથી પ્રતિનિધિત્વ કર્યું હતું અને મશીનરી ક્ષેત્રે આવશ્યક નીતિગત સુધારાઓ માટે અગત્યના સૂચનો રજૂ કર્યા હતા.

SGCCIના પ્રતિનિધિ મંડળે જણાવ્યું કે યુરોપ, ચીન અને જાપાન જેવી અગ્રણી ટેક્નોલોજી ધરાવતી મશીનરી ઉત્પાદક દેશોની ફેકટરીઓનું ફિઝિકલ અભ્યાસ જરૂરી છે. ટેક્ષ્ટાઇલ મશીન ડિઝાઇનના પેરામીટર્સ, એસઓપી, કોમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીઝ, લેબોરેટરી કે આઈપી રક્ષણ જેવી ઘટનાઓને સમજવા માટે ભારત સરકાર દ્વારા ટાસ્ક ફોર્સ બનાવવી જોઈએ જેમાં યુઝર ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓ પણ સમાવિષ્ટ થાય.

ચેમ્બરે રજૂ કરેલા મહત્વપૂર્ણ સૂચનો:

🔹 વિશ્વના અગ્રણી ટેક્ષ્ટાઇલ મશીન ઉત્પાદકોને ભારતમાં ઉત્પાદન શરૂ કરવા માટે 100% FDIની મંજૂરી આપવામાં આવે.
🔹 ટેક્ષ્ટાઇલ મશીનરી માટે ખાસ PLI (પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ) સ્કીમ અમલમાં મૂકવામાં આવે.
🔹 એલ એન્ડ ટી, કિર્લોસ્કર, ભારત ફોર્જ, થર્મેકસ જેવી ભારતીય કંપનીઓના આર એન્ડ ડી વિભાગનો ઉપયોગ કરી, સુરતના ઉત્પાદકો સાથે સંયુક્ત ભાગીદારીમાં મશીન ડિઝાઇન અને ઉત્પાદન થાય.

આ મિટીંગથી સ્પષ્ટ થાય છે કે ભારત સરકાર હવે ટેક્ષ્ટાઇલ મશીનરીના ક્ષેત્રે ટેક્નોલોજીકલ આત્મનિર્ભરતા માટે ગંભીર છે અને ઉદ્યોગ જગતના સૂચનોને અમલમાં લાવવા તૈયાર છે. સુરતના ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓની ભૂમિકા અહીં નોંધપાત્ર રહી હતી.