નવી દિલ્હી ખાતે ટેક્ષ્ટાઇલ સેક્રેટરીની અધ્યક્ષતામાં મળેલી ટેક્ષ્ટાઇલ એડવાઇઝરી ગૃપની મિટીંગમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રજૂઆત.
સુરત.
નવી દિલ્હી ખાતે સોમવાર, તા. ૧૩ મે, ર૦ર૪ના રોજ ટેક્ષ્ટાઇલ સેક્રેટરી સુશ્રી રચના શાહની અધ્યક્ષતામાં ટેક્ષ્ટાઇલ એડવાઇઝરી ગૃપની મિટીંગ મળી હતી. જેમાં ભારતભરમાંથી મેન મેઇડ ફેબ્રિકને લગતા તમામ મોટા એસોસીએશનો તેમજ યાર્ન, ફાયબર, ફેબ્રિક અને ગારમેન્ટ મેન્યુફેકચરર્સ ઉપસ્થિત રહયા હતા. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તરફથી હાલના માનદ્ મંત્રી તેમજ વાઇસ પ્રેસિડેન્ટ ઇલેકટ શ્રી નિખિલ મદ્રાસી, પૂર્વ પ્રમુખ શ્રી આશીષ ગુજરાતી અને ડેપ્યુટી સેક્રેટરી શ્રી પૌલિક દેસાઇએ આ મિટીંગમાં હાજરી આપી હતી.
ભારતમાં વૈશ્વિક સ્તરના મુખ્ય ટેક્ષ્ટાઇલ રો મટિરિયલની ઉપલબ્ધતા ખૂબ જ જરૂરી છે
આ મિટીંગમાં તમામ યુઝર્સ ઇન્ડસ્ટ્રી એસોસીએશનોએ એકસૂરમાં ટેક્ષ્ટાઇલ એડવાઇઝરી ગૃપને જણાવ્યું હતું કે, ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રી ઘણી ડાયનામિક છે અને આ ઇન્ડસ્ટ્રીમાં નવા પ્રોડકટનું ઇનોવેશન સતત થાય છે. ઇનોવેશન થાય તો જ વૈશ્વિક સ્પર્ધામાં ભારત ટકી શકે તેમ છે. જો કે, MMF યાર્ન અને ફાયબર ઉપર QCO ઓર્ડર લાગુ કરાયો હોવાને કારણે ઘણા સ્પેશ્યાલિટી યાર્ન ભારતમાં ઉપલબ્ધ થતા નથી, આથી ઇનોવેશનની રફતારમાં ઘટાડો નોંધાયો છે.
ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ટેક્ષ્ટાઇલ એડવાઇઝરી ગૃપને વિનંતી કરવામાં આવી હતી કે, જે કોઇપણ MMF યાર્ન અને ફાયબરની પુરતા પ્રમાણમાં ભારતમાં ઉપલબ્ધતા નથી એવા મટિરિયલની ભારતમાં BIS વગર આયાત કરવા દેવી જોઇએ. ટેકનિકલ ટેક્ષ્ટાઇલમાં દક્ષિણ ગુજરાત ભારતનું હબ બની રહયું છે. ટેકનિકલ ટેક્ષ્ટાઇલમાં મુખ્યત્વે IDY યાર્ન વપરાય છે. ૩૦૦૦ ડેનિયરથી ઉપરના IDY યાર્નનું ભારતમાં ઉત્પાદન નહીંવત પ્રમાણમાં છે ત્યારે આ યાર્નની ઉપલબ્ધતા ન હોવાને કારણે ટેકનિકલ ટેક્ષ્ટાઇલના ઉત્પાદનમાં ખૂબ જ મોટો ઘટાડો નોંધવામાં આવ્યો છે.
અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)