નવી સિવિલમાં દાખલ દર્દીઓનો ધસારો, વોર્ડની બહાર બેડ મૂકીને દર્દીઓને સારવાર આપવાની નોબત આવી.

સુરત

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. ખરેખર હાલમાં હોસ્પિટલની પરિસ્થિતિ એવી છે કે વોર્ડની બહાર બેડ મૂકીને દર્દીઓને સારવાર આપવાની નોબત આવી પડી છે. વરસાદ વચ્ચે તડકો આવતાં ડેન્ગ્યુના કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલમાં હોસ્પિટલમાં દાખલ 10માંથી 3 દર્દી ડેન્ગ્યુના છે.

શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ ઝડપથી વધી રહ્યો છે. ખરેખર ડેન્ગ્યુ માટે આ સૌથી અનુકૂળ મોસમ છે. તબીબોનું કહેવું છે કે, વરસાદ વચ્ચેનો તડકો એ ડેન્ગ્યુના પ્રજનન માટે શ્રેષ્ઠ સમય છે. ભરેલા પાણીમાં તડકો જેમ પડે છે, તેમ મચ્છરના લાર્વા ઝડપથી વધે છે અને ટૂંક સમયમાં મચ્છરોમાં વિકાસ પામે છે. શહેરમાં હાલમાં આ સ્થિતિ છે. છેલ્લા 10થી 15 દિવસ દરમિયાન કયારેક તડકો તો ક્યારેક હળવો વરસાદ થઈ રહ્યો છે. ડેન્ગ્યુ માટે સ્થિર પાણી અને તડકો સૌથી મહત્વપૂર્ણ છે. હવે આ ચિંતાજનક સ્થિતિ બની છે. ડેન્ગ્યુના 30 ટકા શંકાસ્પદ દર્દીઓ હોસ્પિટલોમાં આવી રહ્યા છે. દાખલ દર્દીઓની પણ આવી જ હાલત છે. વોર્ડમાં દાખલ 10 દર્દીઓમાંથી 3 ડેન્ગ્યુના દર્દીઓ છે અથવા તેવા લક્ષણો સાથે છે. હાલમાં જ ડેન્ગ્યુના કારણે વધુ એક દર્દીનું મોત થતાં મૃત્યુઆંક 8 પર પહોંચ્યો છે. ડેન્ગ્યુના વધતા જતા કેસોને જોતા તંત્રે આ બાબતને ગંભીરતાથી લઈને તાકીદે ધોરણે કામગીરી કરવી જોઇએ.

પુણાગામના બાળકનું તાવમાં મોત

સુરત પુણાગામના બાળકનું તાવમાં મોત નિપજ્યું હતું. મૂળ અમરોલી ધારી તાલુકાના વતની સંદીપ ચૌહાણ હાલ પુણાગામ ભૈયાનગર વિશ્વકર્મા સોસાયટીમાં બે પુત્રો સહિતના પરિવાર સાથે રહે છે. તે સફાઈ કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેના પુત્રો પૈકી રૂદ્ર (4 વર્ષ) ઘર પાસે આવેલ આંગણવાડીમાં અભ્યાસ કરતો હતો. તેને ત્રણેક દિવસથી તાવ આવી રહ્યો હતો. જેથી ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર પણ ચાલી રહી હતી. દરમિયાન શનિવારે સવારે તેને ઉલટીઓ થવા લાગી હતી અને તબિયત લથડી હતી. જેથી પરિવારજનો ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)