
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આજે ૬૧મું સફળ અંગદાન થયું હતું. સુરત શહેરના ભટાર, આઝાદનગરમાં રહેતા સસારે પરિવાર દ્વારા તેમના બ્રેઈનડેડ સ્વજન વિકાસભાઈની બે કિડનીનું અંગદાન થતા બે જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે.પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ મધ્યપ્રદેશના બુરહાનપુરના જૈનાબાદ સુખપુરીના વતની અને સુરતના ભટારના આઝાદનગરની મોટી ગલીમાં રહેતા ૨૯ વર્ષીય વિકાસભાઈ કાશીનાથ સસારેની ૧૫ દિવસ અગાઉ નાસ્તાની લારીવાળા સાથે ઝઘડો અને મારામારી થઇ હતી. જેમાં માથાના પાછળનાં ભાગે માર લાગવાથી ઇજા થઈ હતી. ગત તા.૦૫ જાન્યુ.ના રોજ સવારે પલંગ પરથી પડી ગયા હતાં, ત્યારબાદ લોહીની ઉલ્ટી થતા તત્કાલ નજીકની ગુરૂનાનક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ડોકટરોએ અન્ય હોસ્પિટલમાં લઈ જવાનું કહેતા સવારે ૮.૩૮ વાગે ૧૦૮ ઇમરજન્સીમાં નવી સિવિલમાં સારવાર માટે દાલખ કરાયા હતા. ઇમરજન્સીમાંથી આઇ.સી.યુ.માં શિફટ કરી સારવાર શરૂ કરી દેવામાં આવી હતી.
સિવિલમાં વિકાસભાઈને Cirebral edema નું નિદાન થયું હતું, જેમાં પડી જવાથી મગજની પેશીઓમાં વધુ પડતા પ્રવાહીને કારણે મગજ ફૂલી જાય છે. સઘન સારવાર બાદ તા.૦૭મીએ સવારે ૯.૨૮ વાગે આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, ડો.રિતુ સાવજ, ડો.કેયુર પ્રજાપતિએ બ્રેઈનડેડ જાહેર કર્યા હતાં.
સસારે પરિવારના સભ્યોને સોટોની ટીમના ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઈકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલા કાથુડે અંગદાનનું મહત્વ સમજાવ્યું. બ્રેઈનડેડ વિકાસભાઈના ધર્મપત્ની લક્ષ્મીબેને દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે સંમતિ આપી હતી. સ્વ.વિકાસને બે દીકરીઓ અનુષ્કા અને રિયા છે.
આજે બ્રેઈનડેડ વિકાસભાઈની બન્ને કિડનીઓ અમદાવાદની આઈ.કે.ડી. હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. સિવિલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ધારિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ, સિકયુરિટી સ્ટાફ, સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત્ત સ્વયંસેવકોએ અંગદાનમાં જહેમત ઉઠાવી હતી.
નવી સિવિલ હોસ્પિટલ તંત્રના સફળ પ્રયાસોના પરિણામે આજે વધુ એક અંગદાન સાથે ૬૧મું અંગદાન થયું છે.