નશા મુક્ત ભાવનગર” અભિયાન અંતર્ગત ૬૧.૩૪ ગ્રામ સુકા ગાંજાની સાથે બે ઇસમ ઝડપાયા, ૬,૮૧૩થી વધુનો મુદ્દામાલ કબજે.

ગુજરાત સરકાર દ્વારા નશામુક્તિના આશયથી રાજ્યભરમાં ચલાવાતી ઝુંબેશ “નશા મુક્ત ગુજરાત” અને ભાવનગર જિલ્લાના પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલા “No Drugs in Bhavnagar” અભિયાન અંતર્ગત ભાવનગર જિલ્લામાં નશાના કૌભાંડને નાબૂદ કરવા માટે સતત પગલાં લેવાઈ રહ્યાં છે. આ સંદર્ભે ગંગાજળીયા પોલીસ સ્ટેશનની ટીમે સ્થાનિક ઈનપુટના આધારે ખાસ તપાસ હાથ ધરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર સી.પી. વાઘેલા તથા વી.કે. મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ થયેલી કાર્યવાહી દરમ્યાન બે શંકાસ્પદ ઇસમો—જગદિશભાઇ દુર્લભજીભાઇ વાઘેલા (ઉ.વ. ૬૧) તથા રવિ ઉર્ફે શેરો નટુભાઇ બારૈયા (ઉ.વ. ૩૪), બંને ભાવનગર નિવાસી—ને પકડી પાડવામાં આવ્યા હતા. તેમના કબજામાંથી કુલ ૬૧.૩૪ ગ્રામ સુકો ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત રૂ. ૬૧૩.૪૦ હતી. ઉપરાંત ૨ મોબાઈલ ફોન (કિંમત રૂ. ૫,૫૦૦), ડિજીટલ વજન કાંટો, રોકડા રૂપિયા ૫૦૦, અને અન્ય દસ્તાવેજો સહિત કુલ રૂ. ૬,૮૧૩.૪૦ના મુદ્દામાલ સાથે બંને શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. તેમની વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાઈ આગળની કાનૂની કાર્યવાહી ચાલી રહી છે. પોલીસે નોંધ્યું છે કે આવા નશાકારક પદાર્થોનો ઉપયોગ ગુનેગારો ગુનાઓ પૂર્વે નશો કરવા માટે તેમજ યુવાધનને નશાખોરી તરફ દોરી જવાની પ્રવૃતિઓમાં થાય છે, જેને અટકાવવા જિલ્લાભરમાં આક્રોશ ભરેલા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ કામગીરીમાં ગંગાજળીયા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.

અહેવાલ : સતાર મેતર, ભાવનગર