ધરમપુર, તા. ૨૧:
ધરમપુર તાલુકાના નાની ઢોલ ડુંગરી ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) માટે ફાળવવામાં આવેલી જમીનમાંથી દબાણ દૂર કરવા માટે વહીવટી તંત્ર અને પોલીસ કાફલો પહોંચી ગયો હતો. જોકે દુકાનધારક દ્વારા અપીલ દાખલ કરાતા, દબાણ હટાવ્યા વગર તંત્રને પરત ફરી જવું પડ્યું.
દાદરી ફળીયા વિસ્તારમાં આવેલા જૂના બ્લોક સર્વે નં. 184ના સંયુક્ત માલિકીની ખેતીની જમીનમાંથી આશરે 1500 ચો.મી. જમીન આરોગ્ય કેન્દ્ર માટે ફાળવવામાં આવી હતી. ત્યારબાદ દુકાન ચલાવનાર આનંદભાઈ તુળજીભાઈ પટેલ સામે દબાણ બાબત નોટિસ ફટકારવામાં આવી હતી.
મહિલાઓ અને સ્થાનિકોએ કર્યો વિરોધ
તંત્ર દબાણ હટાવવા સ્થળ પર પહોંચતાં જ મહિલાઓ અને ગામના રહીશોએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું અને દુકાન આગળ બેસી જતા તંગદિલીભર્યું માહોલ સર્જાયો હતો. સ્થળ પર હાજર રહ્યા હતા તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ, જેમણે સ્થાનિકોની વાજબી માંગ સમર્થન કરી.
અપીલના આધારે કાર્યવાહી અટકવી પડી
દુકાનધારકની તરફથી અપીલ દાખલ કરાઈ હોવાની જાણકારી મળતાં, પ્રાંત અધિકારી અમિત ચૌધરીએ સ્થળ પર જ એ અંગે ખાતરી કરી. તેમણે જણાવ્યું કે – “દબાણ અંગે અરજદાર દ્વારા અપીલ દાખલ કરાઈ છે, જેનું નિરાકરણ થયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.”
દુકાનદારનો જીવલેણ પ્રશ્ન – પીઠે આધાર
અરજદારના પરિવારજનોએ દલીલ આપી હતી કે – “આ દુકાન અમારા જીવન આધારરૂપ છે. આરોગ્ય કેન્દ્ર અંગે કોઈ વાંધો નથી, પરંતુ આ દુકાન હટાવવાથી રોઝગાર ખોવાઈ જશે.” બીજી તરફ સરપંચ અને ગ્રામજનોનો પણ અભિપ્રાય છે કે આરોગ્ય કેન્દ્ર લોકોને ઉપયોગી છે, પણ દર્દીઓને આરામદાયક વ્યવસ્થા સાથે લોકોના જિંદગી આધાર બંધ ન થાય તે જરૂરી છે.
પ્રશાસનની સ્પષ્ટતા
પ્રાંત અધિકારી ચૌધરીએ વધુમાં ઉમેર્યું કે – “PHC માટેનું બિલ્ડિંગ તૈયાર છે, સરકારી જમીનમાં દબાણ અંગે 61 કલમ હેઠળ નોટિસ આપવામાં આવી છે. અરજદારની રજૂઆતના આધારે નિર્ણય બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.”
અહેવાલ: (સુરેશ પરેરા, ધરમપુર)
ધરમપુર, તા. ૨૧ મે, ૨૦૨૫