નારણપોર પ્રાથમિક શાળાની શિક્ષિકા સુશીલાબેન પટેલના નિવૃત્તિ પ્રસંગે સન્માન સમારંભ યોજાયો.

ખેરગામ તાલુકાના નારણપોર પ્રાથમિક શાળામાં લાંબી શિક્ષણસેવા આપ્યા બાદ શિક્ષિકા સુશીલાબેન રવજીભાઈ પટેલની નિવૃત્તિ નિમિતે શાળા હોલમાં ભાવસભર વિદાય સમારંભ યોજાયો હતો.

કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્ય તથા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગતગીત સાથે કરવામાં આવી. પ્રસંગે ગામની સરપંચ કોકીલાબેન, બી.આર.સી વિજયભાઈ, જિલ્લા મહામંત્રી ગોવિંદભાઈ, શિક્ષક સમાજના મનોજભાઈ પટેલ, ફતેસિંહભાઈ, ટીપીઓ મનીષભાઈ, કેન્દ્ર શિક્ષક પ્રશાંતભાઈ તથા ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

શાળાના આચાર્ય દિવ્યેશભાઈ પટેલે મહેમાનોનું સાબડીક સ્વાગત કર્યું હતું અને સુશીલાબેનનું સાલ ઓઢાડી તથા પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
બી.આર.સી વિજયભાઈએ જણાવ્યું હતું કે સુશીલાબેનએ ઉમરગામથી શરૂ કરેલી કારકિર્દી નારણપોર સુધી રોલમોડલ રહી છે. શિક્ષણસેવામાં એમનો ઉત્કૃષ્ટ યોગદાન રહી ચૂક્યું છે.

સુશીલાબેન પટેલે પોતાની કારકિર્દીની વિગતો રજૂ કરતાં જણાવ્યુ હતું કે,
તેમણે 22 ડિસેમ્બર 1988ના રોજ ઉમરગામ તાલુકાની આગરીપાડા શાળાથી શિક્ષક તરીકેની સેવા શરૂ કરી હતી.
12 વર્ષ પછી ખેરગામ તાલુકાની વાવ શાળામાં 23 વર્ષ 11 માસ કામગીરી આપી અને 2022થી નારણપોર શાળામાં 2.6 વર્ષ સુધી સેવા આપી.
શાળાની ટીમ, વિદ્યાર્થીઓ અને વાતાવરણને પોતાની જેમ સ્વીકારી શાળા માટે એક પરિવાર સમાન અનુભૂતિ વ્યક્ત કરી.

વિદાય સમારંભમાં હાજર આગેવાનો અને શિક્ષકમિત્રોએ પણ પ્રવચન આપીને સુશીલાબેનના શિક્ષક જીવનને બિરદાવ્યું હતું. શાળાની ઉપશિક્ષિકા સ્વીટીબેન દ્વારા પ્રમાણપત્ર વાંચન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનું સફળ સંચાલન નિલયભાઈ પટેલે કર્યું અને અંતે આચાર્ય દિવ્યેશભાઈએ આભારવિધિ રાખી.

વિશેષરૂપે, સુશીલાબેન પટેલે શાળાને વિદાય પહેલાં કલર પ્રિન્ટર અને નાણાં સહાય આપી સંસ્થાપ્રતિ આપનું ઋણ ચુકવવાની ભાવુક ભાવના વ્યક્ત કરી હતી.
અંતે, મહેમાનો તથા વિદ્યાર્થીઓ માટે રુચિભર્યો ભોજન પણ તેમના તરફથી જ યોજાયું હતું.


રિપોર્ટર: અંકેશ યાદવ – ખેરગામ