વડતાલધામના શિક્ષાપત્રી લેખન અને આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણીના ઉપક્રમે, સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરધામ ખાતે શ્રાવણ માસ દરમ્યાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા)ના માર્ગદર્શન હેઠળ, તા. 09 ઓગસ્ટ 2025, શનિવારના રોજ પવિત્ર નાળિયેરી પૂનમ અને રક્ષાબંધન પર્વના સંયોગે હનુમાનજીના સિંહાસન પર નાળિયેરીના પાનથી વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યો. સિંહાસન પર કમળ આકારની આકર્ષક ડિઝાઇન તથા બાજુમાં બતકની પ્રતિકૃતિ બનાવાઈ. દેશ-વિદેશથી બહેનોએ મોકલેલી રાખડીમાંથી વાઘા તૈયાર કરી દાદાને પહેરાવવામાં આવ્યા અને સાથે મોકલેલા પત્રો પણ દાદાના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યા.
સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા, અને 07:00 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી. બપોરે 11:15 કલાકે છપ્પન ભોગ અન્નકૂટ ધરાવાયો. પૂજારી સ્વામીએ જણાવ્યું કે આજે શ્રાવણ સુદ પૂર્ણિમા, શનિવાર અને રક્ષાબંધનના શુભ સંયોગે દાદાનું 108 મંત્રોથી શ્રીફળપૂજન અને ષોડશોપચાર પૂજા યોજાઈ રહી છે.
શ્રાવણ માસ દરમ્યાન દર શનિવારે વિશિષ્ટ શણગાર અને અન્નકૂટ, દર રવિવારે ષોડશોપચાર પૂજન તથા મહા સાંજ આરતીનું આયોજન થાય છે. તા. 25 જુલાઈથી 28 ઓગસ્ટ 2025 દરમિયાન ફૂટ અન્નકૂટ, છપ્પન ભોગ, ચોકલેટ અન્નકૂટ, ડ્રાયફ્રુટ મીઠાઈ અન્નકૂટ જેવા ભોજન અર્પણ, સંગીતમય સુંદરકાંડ પાઠ, મારુતિ યજ્ઞ, શ્રીહરિ મંદિરમાં હિંડોળા દર્શન, અને શ્રી કૃષ્ણ જન્મોત્સવ જેવા વિવિધ કાર્યક્રમો યોજાશે.
આ ઉપરાંત, દર મંગળવારે સુંદરકાંડ પાઠ, હનુમાન ચાલીસા પાઠ, તેમજ નિલકંઠ મહાદેવ મંદિરમાં પૂણાં શ્રાવણ માસ દરમ્યાન બ્રાહ્મણો દ્વારા શિવપૂજનનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ