જૂનાગઢ, તા. ૩૧ – કુદરતી આફતો જેવી કે સુનામી જેવી પરિસ્થિતિ દરમિયાન વહીવટી તંત્રની તૈયારી કે પ્રશ્નોની સમજૂતી મેળવવા માટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) દ્વારા આજ રોજ જૂનાગઢ જિલ્લામાં કોમ્યુનિકેશન મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી આયોજન કરાયેલી આ ડ્રિલનો મુખ્ય હેતુ વહીવટી તંત્ર, સલામતી વિભાગો અને તટ વિસ્તારની સંસ્થાઓ વચ્ચે સંકલન કઈ રીતે થાય છે, તાત્કાલિક સ્થિતિમાં પગલાં લેવાઈ શકે છે કે કેમ અને રિસ્પોન્સ ટાઈમ કેટલી છે – તે અંગેની સંપૂર્ણ સમીક્ષા કરવી રહી હતી.
વિશેષમાં, દરિયાકાંઠાના વિસ્તારવાળા જિલ્લાઓમાં સુનામી જેવી પરિસ્થિતિ આવે ત્યારે લોકોને કેવી રીતે પ્રાથમિક સલામતી મળી શકે અને તંત્ર કેવી રીતે કામગીરી કરે – તે સમજી શકાય તે માટે કાર્યપદ્ધતિ મુજબ વિસ્તૃત માર્ગદર્શિકા આપવામાં આવી. જો ભૂકંપ અનુભવાય, દરિયો પાછળ ખેંચાય, અવાજ કે ઊંચી તરંગોની દ્રશ્યતા થાય તો તરત ઊંચા વિસ્તારમાં જવાનું કે કિનારા પરથી દૂર જવાનું સૂચવાયું છે. રેડિયો, મોબાઈલ, અધિકારીની સૂચનાઓનું પાલન ફરજિયાત ગણાવાયું છે.
લોકોએ દરિયાકિનારા, નદીઓ અને નીચાણવાળી જગ્યાઓથી દૂર રહેવું જોઈએ. એક ઇમરજન્સી કીટ – જેમાં પીવાનું પાણી, જરૂરી દવાઓ, ટોર્ચ, ડ્રાય ફૂડ અને દસ્તાવેજો હોય – તે તૈયાર રાખવાની સલાહ આપવામાં આવી છે. પરિવારમાંના દરેક સભ્યને સલામત સ્થળની જાણકારી હોવી જોઈએ અને દર વર્ષે મોકડ્રિલનો ભાગ બનવું જોઈએ. કાયમ જાગૃત રહેવું અને તંત્રની સૂચનાઓનું પાલન કરવું આવશ્યક છે.
તંત્રએ ખાસ ધ્યાને લેવા જેવી બાબતોમાં જણાવ્યું કે કુદરતી ચિહ્નો જણાય ત્યારે સત્તાવાર ચેતવણીની રાહ ન જોવી. તરંગો જોવાને બદલે તરત સલામત જગ્યાએ સ્થળાંતર કરવું. નબળી ઈમારતોમાં છૂપાવાનું નહિ અને પહેલી તરંગ પછી તરત પાછા ન ફરવું કારણ કે બીજું તરંગ વધારે ઘાતક હોઈ શકે છે. જો રસ્તા ભીંજાયેલા હોય તો વીજળીના ઉપકરણોનો ઉપયોગ ન કરવાનો અને અફવાઓથી દૂર રહેવાનું મહત્વ પણ રજુ થયું.
આ પ્રકારની ડ્રિલથી તંત્રની કાર્યક્ષમતા, સંકલન ક્ષમતા અને લોકોમાં જાગૃતિ વધે છે, તે ધ્યેય સાથે સમગ્ર કાર્યવાહી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ.