નોબલ યુનિવર્સિટી, જૂનાગઢનાં વિદ્યાર્થીઓનો ડાયમંડ કિંગ શ્રી ગોવિંદભાઈ ધોળકિયા સાથે પ્રેરણાત્મક સંવાદ યોજાયો.

“ખાસ વિદ્યાર્થીઓ માટે ચાર્ટર્ડ પ્લેનમાં કોઈ ઉદ્યોગપતિ જૂનાગઢ આવ્યા હોય તેવી આ પ્રથમ ઘટના છે.”
ડાયમંડ કિંગ શ્રી ગોવિંદ કાકા એ તેમના વ્યસ્ત શેડ્યૂલ વચ્ચે માત્ર ૨ કલાક ના લેક્ચર માટે સમય કાઢી, ખાસ ચાર્ટર પ્લેનમાં જૂનાગઢ પધારી નોબલ યુનિવર્સિટી ના વિદ્યાર્થીઓ સાથે “સંઘર્ષ થી સફળતા સુધી” વિષય પર કર્યો વાર્તાલાપ.

નોબલ યુનિવર્સિટીના મેનેજમેન્ટ કોંકલેવ ઇવેન્ટ અંતર્ગત યોજાયેલી આંત્રપ્રીનીયર્શિપ સિરીઝમાં રાજ્યસભાના સાંસદ અને રામકૃષ્ણ ડાયમંડના સ્થાપકશ્રી ગોવિંદભાઈ ધોળકિયા એ “સંઘર્ષથી સફળતા સુધી” વિષય પર ઉદ્યોગપતિઓ, વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો સાથે રચાયેલ ટોક શો માં પ્રેરણાત્મક સંવાદ કર્યો.તેમણે પોતાના જીવનના સંઘર્ષ અને સફળતાના સંદેશ સાથે વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ, મહેનત અને ઈમાનદારીથી કાર્ય કરવાની પ્રેરણા આપી. વિશ્વાસ, પ્રામાણિકતા અને પારદર્શિતાના મૂલ્યો સાથે ડાયમંડ ઉદ્યોગમાં પોતાની આગવી ઓળખ બનાવી ચૂકેલા શ્રી ગોવિંદ કાકા એ સમાજસેવામાં આપેલા યોગદાન વિષે પણ ચર્ચા કરી.

ગોવિંદભાઈ ધોળકિયાએ તેમના જીવનના સંઘર્ષમય સફર વિશે વાત કરતા જણાવ્યું કે કેવી રીતે એક સામાન્ય ખેડૂત પરિવારનો યુવક મહેનત, દ્રઢનિશ્ચય અને મૂલ્યોના આધારે વિશ્વવિખ્યાત ઉદ્યોગપતિ બની શકે. તેમણે વિદ્યાર્થીઓને સહનશીલતા, પરિશ્રમ અને નૈતિકતાના મૂલ્યો અપનાવવા અને હંમેશા નવી સંભાવનાઓ શોધવાની પ્રેરણા આપી. આ સંવાદમાં સ્ટાર્ટઅપ કલ્ચર, વ્યવસાયમાં ઈનોવેશન અને માર્કેટિંગ સ્ટ્રેટેજીઝ જેવા વિષયો પર પણ ચર્ચા કરવામાં આવી. ગોવિંદભાઈ ધોળકિયાએ જણાવ્યું કે સફળતા માટે માત્ર મૂડી નહીં, પણ દ્રઢ ઈચ્છાશક્તિ અને ઈશ્ર્વર પર અખૂટ શ્રધ્ધા અને કઠોર પરિશ્રમ કરવો જરૂરી છે.


વિદ્યાર્થીઓએ પણ ભારે ઉત્સાહ સાથે તેમને વિવિધ પ્રશ્નો પૂછ્યા, જેનો શ્રી ગોવિંદભાઈ ધોળકિયાએ ખુબજ સ્પષ્ટ અને સરળ શબ્દોમાં જવાબો આપ્યા. આ ઈન્ટરેક્ટિવ સેશન માં તેમણે ઉદ્યોગ જગતની હકીકતો અને વ્યવસાયલક્ષી મંત્ર પણ શીખવ્યા, જે વિદ્યાર્થીઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થયા. આમ આ કાર્યક્રમ નોબલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે એક પ્રેરણાત્મક અને શિક્ષણપ્રદ અવસર બન્યો.


આ કાર્યક્રમ દરમ્યાન ગોવિંદકાકા નાં જીવન ચરિત્રનું પુસ્તક “ડાયમંડ આર ફોરેવર એન્ડ સો ધ મોરલ્સ” અને યાદગાર ફોટો પ્રદર્શન કરવામાં આવ્યું. આ પુસ્તકમાં ગોવિંદભાઈ ધોળકિયાના જીવનસફરના ઊંડાણપૂર્ણ અનુભવો અને વ્યાપારિક મૂલ્યોની ચર્ચા કરવામાં આવી છે, જે તમામ માટે પ્રેરણાદાયી બની રહી. ગોવિંદભાઈ ધોળકિયાના જીવનના વિવિધ તબક્કાઓ અને વ્યાવસાયિક યાત્રાના યાદગાર ક્ષણોને કંડારતી ગેલેરી આ કાર્યક્રમમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બની.


આ પ્રસંગે શ્રી ઘનશ્યામદાસ શંકર (શિવમ જ્વેલ, લાઠી), શ્રી ધીરુભાઈ નારોલા (નારોલા જેમ્સ), શ્રી વલ્લભભાઈ રિબડીયા, શ્રી દિનેશભાઈ નારોલા (SRK-નારોલા પરિવાર), શ્રી ભાવેશ ભાઈ (રામકૃષ્ણ ડાયમંડ), શ્રી અશોકભાઈ પોશિયા (મારુતિ એન્ટરપ્રાઇઝ, અમદાવાદ) જેવાં ઉદ્યોગ જગત ના પ્રખરશ્રી ઓ માનનીય ગોવિંદભાઇ સાથે નોબલ યુનિવર્સિટી ખાતે મહેમાન બન્યા.ત્યારે શ્રી વિજયભાઈ – જુનાગઢ ડાયમંડ એસોસિયેશન, જિતુભાઈ ભીંડી – જુનાગઢ ગોલ્ડ એન્ડ સિલ્વર એસોસિયેશન, સંજયભાઈ પુરોહિત– ચેમ્બર ઓફ કોમર્સ , દિલીપભાઈ (કેશોદ એસોસિયેશન) શ્રી વિનુભાઈ બારસીયા, (પ્રમુખ, શ્રી સૌરાષ્ટ્ર એગ્રો ઇનપુટ એસોસિએશન.) શ્રી આશિષભાઈ કાચા, સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થા ના પ્રતિનિધિ ઉપરાંત નોબલ યુનિવર્સિટી નું ટ્રસ્ટીમંડળ દ્વારા આમંત્રિત મહેમાનો ને સન્માનિત કરાયા.


આ કાર્યક્રમ માં નોબલ યુનિવર્સીટી નાં કોમર્સ અને મેનેજેન્ટ, એન્જિનિયરીંગ, ફાર્મસી, નર્સિંગ, કમ્પ્યુટર એપ્લિકેશન, સાઇન્સ, આયુર્વેદ, હોમીયોપેથી અને સાયન્સ વિભાગ ના વિદ્યાર્થીઓ, અધ્યાપકો તેમજ પત્રકાર શ્રી ઓ હાજર રહ્યા હતા.આ તકે નોબલ યુનિવર્સિટી ના પ્રમુખશ્રી નીલેશ ધૂલેશિયા, ઉપપ્રમુખશ્રી ગિરીશ કોટેચા, મેનેજિંગ ટ્રસ્ટીશ્રી વી. પી. ત્રિવેદી, સંસ્થા ના કો મેનેજિંગ ટ્રસ્ટીશ્રી કે. ડી. પંડયા તેમજ સંસ્થા ના કુલપતિ ડૉ. એચ. એન. ખેર દ્વારા આયોજન માટે સમગ્ર ટીમ ને શુભેચ્છા પાઠવી હતી જે સંસ્થા ના રજીસ્ટ્રાર અને ડીન ડૉ. જય તલાટી ની યાદીમાં જણાવેલ છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)