પલસાણા: લગ્ન સમારોહમાં દારૂની નશામાં ઝગડો, યુવકને ચાકૂ મારી હત્યા!!

સુરત: પલસાણા તાલુકાના જોલવા ગામમાં એક લગ્ન સમારોહમાં ડીજે પર નાચતી વખતે થયેલા ઝગડામાં યુવકની ચાકૂ મારી હત્યા કરવામાં આવી છે. આ ઘટના બાદ લગ્ન સમારોહમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, પલસાણાના જોલવા આરાધના પાસે એક લગ્ન સમારોહ યોજાયો હતો. રાત્રે ૧૧ વાગ્યા આસપાસ ડીજે પર નાચતી વખતે બે મિત્રોના જૂથ વચ્ચે કોઈ મામલે તકરાર થઈ હતી. આ તકરાર વધતી જતા એક યુવકે રવિ (ઉમર 24 વર્ષ) નામના યુવક પર ચાકૂ વડે હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત રવિને તરત જ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

આ બનાવની જાણ થતા પલસાણા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે ઘટનાના CCTV ફૂટેજ તપાસી રહ્યા છે અને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. હુમલા પછી આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા છે.

મૃતકના પરિવારજનોનો રોષ ઉગ્યો છે અને તાત્કાલિક ન્યાયની માંગ કરી છે. લગ્નના માહોલમાં થયેલી આ હિંસાએ પલસાણા અને આસપાસના વિસ્તારોમાં ચકચાર મચાવી દીધી છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ IPC ની લાગતી કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અહેવાલ :- સંતોષ જયસવાલ (સુરત ગ્રામ્ય)