જૂનાગઢ, તા. ૫ — આજે પવિત્રા અગિયારસના પાવન પ્રસંગે, શ્રી ભૂતનાથ મહાદેવ મંદિરે ભક્તિ અને ભાવનાનું અલૌકિક સંગમ જોવા મળ્યું. પ્રસાદરૂપે 151 કિલો તાજા ફળોથી મહાદેવનું વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યું, જેમાં દ્રાક્ષ, સફરજન, કેલા, પપૈયા, નારંગી સહિતના વિવિધ ફળોનો સમાવેશ થતો હતો. ગર્ભગૃહમાં ફળોની સુગંધ અને ભક્તોની હર હર મહાદેવની ગૂંજથી માહોલ ભક્તિમય બની ગયો હતો.
મંદિરના મહંત મહેશગીરી બાપુએ જણાવ્યું કે, શ્રાવણ માસ દરમ્યાન મંદિર ખાતે ખાસ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. શ્રાવણ મહિનાના દરેક સોમવારે સાંજે 7:30 વાગ્યે અને મધરાતે 12:00 વાગ્યે મ્યુઝિકલ બેન્ડની ભક્તિમય ધૂન સાથે મહા આરતી યોજાશે. જૂનાગઢના જાણીતા ભજન કલાકારો દ્વારા દર સોમવારે રાત્રે શિવ આરાધનાના વિશેષ કાર્યક્રમો યોજાશે, જેમાં ભજન, કીર્તન અને ધૂન દ્વારા ભક્તોને શિવતત્વનો અનુભવ કરાવવામાં આવશે.
મહંતશ્રીએ વધુમાં જણાવ્યું કે, આવનારા શ્રાવણ વદ આઠમના રોજ, એટલે કે જન્માષ્ટમીના પાવન દિવસે, ભૂતનાથ મહાદેવ મંદિરમાં મટકી ફોડ, દહીં હાંડી અને કૃષ્ણ જન્મ મનોરથનો ભવ્ય કાર્યક્રમ યોજાશે. ભક્તજનો માટે આ અવસર આનંદ અને ઉમંગનો બનશે.
ભાવિક ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે મંદિરે વિવિધ મનોરથ કરાવે છે, જેમાં બ્રહ્મભોજન, બટુક ભોજન, ધ્વજારોહણ, રાજભોગ (થાળ), સાંજનો પ્રસાદ અને આખા દિવસનો મનોરથ સામેલ છે. દરેક મનોરથ પાછળ ભક્તોની અડગ શ્રદ્ધા અને પરમાત્મા પ્રત્યેનો અનંત વિશ્વાસ ઝલકે છે.
શ્રાવણ માસમાં ભૂતનાથ મહાદેવ મંદિરે આવનાર ભક્તોને અનોખી શાંતિ, શક્તિ અને ભક્તિભાવનો અનુભવ થાય છે. પવિત્રા અગિયારસે આયોજિત આ વૈભવી શણગાર અને આરાધના, ભક્તો માટે ચિરસ્મરણીય બની રહેશે.