શ્રાવણ માસ-૨૦૨૫ના પાવન અવસરે, પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ માટે એક અનોખો ધાર્મિક અભિયાન સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલી માત્ર ₹૨૫ બિલ્વપૂજા સેવામાં અત્યારસુધી ૩.૧૨ લાખથી વધુ ભક્તો જોડાઈ ચૂક્યા છે. શ્રદ્ધાળુઓ ઘરે બેઠા ઓનલાઈન પૂજા નોંધાવીને સોમનાથ મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરાવી શકે છે અને પુણ્યનો લાભ મેળવી શકે છે.
આ પૂજાના અનુસંધાનમાં, ભક્તોને પ્રસાદ રૂપે ભસ્મ અને રુદ્રાક્ષ ભારતીય પોસ્ટ મારફતે તેમના ઘરદ્વારે પહોંચાડવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીના ૫ મોટા ધાર્મિક અવસરોમાં આશરે ૧૦.૬૬ લાખથી વધુ પૂજાઓ નોંધાઈ ચુકી છે, જેમાં શ્રાવણ અને મહાશિવરાત્રીના તહેવારોનો સમાવેશ થાય છે.
શાસ્ત્રોક્ત માનેતા અનુસાર, શિવજીને બીલીપત્ર અર્પણ કરવાથી અનેક પાપોનો નાશ થાય છે અને આત્માને શાંતિ અને મુક્તિ મળે છે. ટ્રસ્ટ દ્વારા આ પૂજાની પૂરી વ્યવસ્થા મંદિરના આધ્યાત્મિક પંડિતો દ્વારા કરાય છે અને ભક્તોનું નામ તથા ગોત્ર પઠિત કરી પૂજા કરવામાં આવે છે.
શ્રાવણ માસમાં તા. ૨૫ જુલાઈથી ૨૧ ઓગસ્ટ સુધી ભક્તો આ સેવા નો લાભ લઈ શકે છે. પૂજા બુકિંગ માટે ભક્તો https://somnath.org/BilvaPooja/Shravan વેબસાઇટ અથવા QR કોડ દ્વારા પધારી શકે છે.
સોમનાથ ટ્રસ્ટની આ સેવા ભક્તોને ઘેરબેઠાં ભગવાનની ભક્તિથી જોડાવા માટે એક આદર્શ સાધન બની છે અને શ્રદ્ધાળુઓમાં ભારે પ્રતિસાદના કારણે આ સેવાને વારંવાર પુનરાવર્તિત કરવામાં આવી રહી છે.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ