પાકિસ્તાને 21 ગુજરાતી માછીમારોને મુક્ત કર્યા, હોળી પહેલા ખુશીના લહેર, લાગણીસભર દ્રશ્યો સર્જાયા!

વડોદરા: પાકિસ્તાનની જેલોમાં કેદ થયેલા ભારતીય માછીમારોમાંના 22 માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે, જેમાં 21 માછીમારો ગુજરાત અને દીવના છે. આ માછીમારો ટ્રેન મારફતે વડોદરા રેલવે સ્ટેશન પર પહોંચ્યા હતા, જ્યાંથી તેમને તેમના વતન સુધી પહોંચાડવા માટે વિશેષ બસ વ્યવસ્થા કરવામાં આવી હતી.

દરિયામાં માછીમારી કરવા ગયેલા આ માછીમારોને પાકિસ્તાની નૌસેના દ્વારા પકડીને જેલમાં બંધ કરી દેવામાં આવ્યા હતા, જ્યાં તેમને અનેક યાતનાઓ સહન કરવી પડી. ભારત સરકાર દ્વારા થયેલી રજૂઆતોના પગલે તબક્કાવાર કેટલાક માછીમારોને મુક્ત કરવામાં આવે છે. તાજેતરમાં 22 માછીમારોને છોડવાની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી.

આ તમામ માછીમારો વાઘા બોર્ડર મારફતે ભારત પહોંચ્યા, જ્યાં તેમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું અને ત્યારબાદ તેઓને તેમના વતન માટે રવાના કરવામાં આવ્યા. ગુજરાતના 21 માછીમારો સોમવારે વડોદરા રેલવે સ્ટેશન પર પહોંચ્યા, જેમાંથી 15 ગીરસોમનાથ, 3 દ્વારકા અને 3 દીવના રહેવાસી છે.

પોરબંદરના માછીમાર આગેવાન અને માછીમાર બોટ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ જીવનભાઈ જુંગાએ જણાવ્યું કે પાકિસ્તાની જેલમાં સજા પૂરી થયા બાદ પણ માછીમારો લાંબા સમયથી ત્યાં અટવાયેલા હતા. આ માછીમારો આરોગ્ય સંબંધિત અનેક સમસ્યાઓનો શિકાર બની ગયા હતા. તેઓને મુક્ત કરવાની માંગણી સ્થાનિક કક્ષાએથી સતત કરવામાં આવી રહી હતી.

પાકિસ્તાન સરકારે જાહેર કર્યું કે 20મી ફેબ્રુઆરીએ 22 ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા હતા. કરાંચીના માલીર જેલમાંથી છોડાયેલા આ માછીમારોને 22મી ફેબ્રુઆરીએ વાઘા બોર્ડર ખાતે ભારત સરકારને સોંપવામાં આવ્યા. તેઓની મુક્તિની ખબર સાંભળતા તેમના પરિવારજનોમાં હર્ષની લાગણી પ્રસરી ગઇ અને હોળી પહેલાં દિવાળીની ઉજવણી જેવો માહોલ સર્જાયો.

છોડાયેલા 22 માછીમારોમાં ભુપત બાબુ, માલા રામ, કરશન વરજાંગ, ખલીફ અબ્દુલ રહેમાન, મોહન બાઓજી, આસિફ જુનસ, અકબર જુમ્મા, લક્ષ્મણ અર્જુન, મૌજી નાથુ, દીપક બાબુ, રામજી રાજા, હરી હીરા, ટપુ ધૌઉસા, સુરેશ ઉકેરડા, અશોક કાનજી, વિજય થાના, મનોજકુમાર ગોવિંદ, વીનુ ધનજી, મહેશ રામા, સુભાષ હરિ, સંજય જુટો અને સૈલેન્દ્ર રામલાલનો સમાવેશ થાય છે.