પાટનગર ગાંધીનગર ખાતે શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ, મહેસાણા આયોજિત વિદ્યોત્તેજક સન્માન કાર્યક્રમ યોજાયો.

ગાંધીનગર

શ્રી વેદ ઈન્ટરનેશનલ સ્કૂલ, ગાંધીનગર ખાતે મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી અને કચ્છ જિલ્લાના શિક્ષક મિત્રો જેમણે શિક્ષણ ક્ષેત્રે પોતાનું વિશેષ યોગદાન આપીને તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા, રાજયકક્ષા તેમજ રાષ્ટ્રકક્ષા સુધી એવોર્ડ મેળવેલ છે તેવા શ્રેષ્ઠ સારસ્વતો માટે વિદ્યોતેજક સન્માન કાર્યક્રમ શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ, મહેસાણાના સહયોગથી અને ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવશ્રી અને ભૂતપૂર્વ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી પુલકિત જોશીની પ્રેરણાથી યોજાયો. જેમાં આ સાત જિલ્લાના 555 જેટલા શ્રેષ્ઠ શિક્ષક મિત્રોનું સન્માન થયું. જે ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર છે. જેમાં બનાસકાંઠા જિલ્લા ના દાંતા તાલુકામાં કુંવારસી પગાર કેન્દ્ર શાળા માં ફરજ બજાવતા શ્રી જનક પી ઉપાધ્યાયનું મોમેન્ન્ટો અને સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું.

શિક્ષણવિદ શ્રી ગજેન્દ્રકુમાર જોશીના માર્ગદર્શનમાં અને તેઓશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં ડૉ. સી.જે.ચાવડા સાહેબશ્રી-ધારાસભ્ય વિજાપુર, રીટાબેન પટેલ – ધારાસભ્ય ગાંધીનગર, ડૉ. સુખાજી ઠાકોર – ધારાસભ્ય બેચરાજી, મનુભાઈ ચોકસી – પૂર્વ ચેરમેન જિલ્લા શિક્ષણ સમિતિ,મહેસાણા, એમ.પી. મહેતા, સચિવશ્રી સર્વ શિક્ષા અભિયાન, શ્રી એમ.કે રાવલ નિયામકશ્રી GSEB અને GIET ગાંધીનગર, શ્રી વેદ ઈન્ટરનેશનલ સ્કૂલના સંચાલકશ્રી ધર્મેશભાઈ પટેલ વગેરેએ શ્રેષ્ઠ શિક્ષકોને સન્માન પત્ર આપ્યાં તથા ખૂબ જરૂરી જ્ઞાનવર્ધક ભાથું પીરસ્યું. શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ, મહેસાણાના પ્રમુખશ્રી નરેશકુમાર દવેએ પોતાના ટ્રસ્ટનાં સેવાકીય કાર્યોની વિગતો આપી. તેમની વાતોમાં સ્વભાવની સરળતાનાં તથા શિક્ષકો માટેના આદરનાં દર્શન થયાં. કેટલાક નૂતન વિચારો સાથેનું આ સજ્જતાવર્ધક સ્નેહમિલન આજીવન સંભારણું રહેશે તે ભાવ સાથે સૌ છૂટા પડ્યા.

અહેવાલ :- પૂજા દવે (ગાંધીનગર)