પાલનપુરના ઈદગાહમાં મુસ્લિમ બિરાદરોએ ઈદ ઉલ અઝહાની નમાજ અદા કરી

બનાસકાંઠા

ઈદ ઉલ અઝહા એટલે કે બકરી ઈદનો તહેવાર ઈસ્લામિક કેલેન્ડર મુજબ જુલ-હિજાના 12મા મહિનાના દસમા દિવસે ઉજવવામાં આવે છે, કારણ કે ઈસ્લામિક કેલેન્ડર મુજબ ઈદની તારીખ અલગ-અલગ હોય છે. ઈસ્લામમાં બતાવ્યા પ્રમાણે આજના દિવસને આ બલિદાનનો દિવસ છે. એવું માનવામાં આવે છે કે આ તહેવાર હઝરત ઇબ્રાહિમ અલૈસ્લામ દ્વારા તેમના પુત્ર હઝરત ઇસ્માઇલને બલિદાન આપવાની ઇચ્છાની યાદમાં ઉજવવામાં આવે છે.

કુરબાની કરી ગરીબોમાં તકસીમ કરાય છે

આ દિવસે મુસ્લિમ સમુદાયના લોકો પોતાની ક્ષમતા મુજબ બલિદાન આપે છે અને જરૂરિયાતમંદ અને ગરીબોમાં વહેંચે છે. બલિદાનના ભાગોને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યા છે. એક ભાગ ગરીબ અને જરૂરિયાતમંદોને આપવામાં આવે છે, બીજો ભાગ સંબંધીઓ અને મિત્રોને આપવામાં આવે છે, અને ત્રીજો ભાગ પોતાના માટે રાખવામાં આવે છે. આ તહેવાર ગરીબો અને જરૂરિયાતમંદોને મદદ કરવા અને સમાજમાં ભાઈચારો બનાવવાની પ્રેરણા આપે છે.

પોલીસ બંદોબસ્ત વચ્ચે નમાજ અદા કરાઈ

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના ઈદગાહ ખાતે પણ આજના પવિત્ર દિવસે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાજ અદા કરી હતી ત્યારબાદ એકબીજાને ગળે મળીને ઈદની શુભેચ્છા પાઠવી હતી. નમાજ દરમિયાન સુરક્ષા માટે પોલીસનો પણ કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

અહેવાલ :- અયુબ પરમાર (બનાસકાંઠા)