બનાસકાંઠા
હર ઘર તિરંગા અભિયાન અન્વયે લોકોમાં રાષ્ટ્રભાવના ઉજાગર થાય અને તિરંગા સાથેની આત્મીયતા વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી બનાસકાંઠામાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યસભાના સાંસદશ્રી બાબુભાઈ દેસાઈ તથા પાલનપુરના ધારાસભ્યશ્રી અનિકેત ભાઈ ઠાકરની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લાકક્ષાની ‘હર ઘર તિરંગા યાત્રા’ યોજાઈ હતી. ઉપસ્થિત મહાનુભાવોએ રાષ્ટ્રધ્વજ લહેરાવી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી તિરંગાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે પૂર્વ સાંસદશ્રી પરબતભાઇ પટેલ, જિલ્લા કલેકટરશ્રી વરુણ કુમાર બરનવાલ , જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, નિવાસી અધિક કલેક્ટર શ્રી સી.પી.પટેલ સહિતના અધિકારીઓ હાથમાં તિરંગો લઈ ઉત્સાહભેર તિરંગાયાત્રામાં જોડાયા હતા. પોલીસ હેડ ક્વાર્ટર થી કલેકટર કચેરી સુધી નીકળેલી આ યાત્રા જાહેર માર્ગ પર થી પસાર થતાં મોટી સંખ્યામાં નગરવાસીઓ પણ જોશ સાથે જોડાયા હતા અને દેશભક્તિના નારા લગાવ્યા હતા. પોલીસ જવાનો દ્વારા ૨૦૦ મીટર લાંબા તિરંગા સાથેની આ યાત્રા સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બની હતી. રાહદારીઓ, વેપારીઓ, વાહનચાલકો અને નગરજનોએ હાથમાં તિરંગો ધ્વજ લહેરાવી યાત્રાનું સ્વાગત કર્યું હતું. તિરંગાયાત્રા પ્રસંગે પાલનપુર નગર તિરંગામય બની જવા પામ્યું હતું. સાંસદશ્રી બાબુભાઈ દેસાઈ અને પૂર્વ સાંસદશ્રી પરબતભાઇ પટેલે દેશના વીર સપૂતોના બલિદાનને યાદ કરી જિલ્લાવાસીઓને તિરંગા યાત્રા અને સ્વતંત્રતા પર્વ ની શુભકામનાઓ પાઠવી હતી.
તિરંગાયાત્રામાં જિલ્લાના પદાધિકારીશ્રીઓ, અગ્રણીશ્રીઓ, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ, પોલીસ જવાનો, હોમગાર્ડસ અને જી.આર. ડીના જવાનો, એન.સી.સી.કેડેટ્સ, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, શાળાના બાળકો અને નગરજનો ઉત્સાહભેર સહભાગી બન્યા હતા.
અહેવાલ :- ગુજરાત બ્યુરો