ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે આવેલી સ્વામી વિવેકાનંદ કૉલેજ ઓફ કોમર્સ & આર્ટસમાં મહિલા હેલ્પલાઇન 181 અભયમ અંગે જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં 181 મહિલા હેલ્પલાઇન ટીમ પાલીતાણા દ્વારા હાજર રહી વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને કાઉન્સેલર તથા મહિલા કોન્સ્ટેબલ દ્વારા કોલેજની વિદ્યાર્થિનીઓને અભયમ મહિલા હેલ્પલાઇનનો હેતુ, કાર્યપદ્ધતિ અને તેનો યોગ્ય ઉપયોગ અંગે વિગતવાર સમજણ અપાઈ હતી.
સેમિનારમાં ઘરેલું હિંસા, જાતીય સતામણી, છેડતી, બાળલગ્ન, તેમજ બાળકો પર થતી હિંસા જેવા મુદ્દાઓ અંગે જાગૃતિ લાવવામાં આવી. ઉપરાંત “ગુડ ટચ – બેડ ટચ” અંગે માર્ગદર્શન આપીને વિદ્યાર્થીનીઓને સાવચેત રહેવા તેમજ આવા સમયે મદદ કેવી રીતે મેળવી શકાય તેની પ્રેરણા અપાઈ.
અભયમ ટીમે જણાવ્યું કે કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલી મહિલા કે કિશોરી 181 હેલ્પલાઇન પર કોલ કરીને તાત્કાલિક મદદ મેળવી શકે છે. ટૂંકા અને લાંબા ગાળાના કાઉન્સેલિંગની સુવિધા પણ આ હેલ્પલાઇન દ્વારા ઉપલબ્ધ છે.
કોલેજના ટ્રસ્ટી, આચાર્યશ્રી તથા પ્રોફેસરગણની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થિનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મહિલા હેલ્પલાઇન એપ્લિકેશનનો ઉપયોગ, સરકાર દ્વારા મહિલાઓ માટે અમલમાં મુકાયેલી વિવિધ યોજનાઓ, તેમજ સુરક્ષિત જીવન જીવવા માટેના માર્ગ અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ જાગૃતિ સેમિનારથી વિદ્યાર્થિનીઓમાં આત્મવિશ્વાસ સાથે જીવન જીવવાની શક્તિ અને જાગૃતતા વિકસાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
📍 અહેવાલ: સતાર મેતર, ભાવનગર