પીએમ કિસાન ઉત્સવ દિવસમાં ગીર સોમનાથના ૧.૧૩ લાખ ખેડૂતોએ મેળવ્યા ૨૪.૭૭ કરોડ; મંત્રી ભાનુબહેન બાબરીયાની અધ્યક્ષસ્થાએ યોજાયો વિશાળ કાર્યક્રમ.

વેરાવળ શહેરના નગરપાલિકા કોમ્યુનિટી હોલ ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી જિલ્લા કક્ષાએ ઉલ્લાસભેર યોજાઈ, જેમાં રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબહેન બાબરીયાએ અધ્યક્ષસ્થાન સંભાળ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ખેડૂત કલ્યાણને અનુલક્ષીને અનેક યોજનાઓના લાભો ખેડૂત પરિવારો સુધી સીધા પહોંચાડવામાં આવ્યા.

કૃષિપ્રધાન દેશ ભારત માટે ખેડૂતનું મૂલ્ય સમજાવતા મંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ કૃષિ ક્ષેત્રે વિશ્વસનીય પરિવર્તન આવી રહ્યું છે. ખેડૂતની આવકમાં વધારો લાવવા કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મુકાઈ રહી છે. સહાય સીધા ખાતામાં જમા થાય છે જેથી દલાલમુક્ત વ્યવસ્થા સર્જાઈ રહી છે.

કાર્યક્રમમાં ખાસ કરીને ‘વ્હાલી દીકરી’ યોજના હેઠળ મંજુર હુકમો, કિટ વિતરણ અને મુખ્યમંત્રી કૃષિ યાંત્રિકીકરણ યોજના અંતર્ગત ટ્રેક્ટર, પાવર થ્રેશર અને રોટાવેટર સહિતની સહાયના હુકમો પણ એનાયત કરવામાં આવ્યા હતા. આ સાથે કિસાન ઉત્સવના ૨૦મા હપ્તામાં સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના ૧,૧૩,૭૧૮ ખેડૂતોના ખાતામાં રૂ. ૨૪.૭૭ કરોડના ભરણા જમા કરાયા હતા.

જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબેન મૂછાર, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, પૂર્વ મંત્રી જશાભાઈ બારડ, જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાય સહિત અનેક મહાનુભાવોએ ઉપસ્થિત રહી ખેડૂત કલ્યાણ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારના સમર્પિત પ્રયાસોને વિશદ રીતે રજૂ કર્યા.

જિલ્લાકક્ષાએ આયોજિત કાર્યક્રમ સાથે સાથે ઉના, ગીરગઢડા, સૂત્રાપાડા, કોડીનાર અને તાલાલામાં પણ તાલુકાકક્ષાએ વિશેષ કાર્યક્રમો યોજાઈ જીવંત પ્રસારણ થકી ખેડૂતોને જોડાયા.

અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ–સોમનાથ