પૂર્વ વિદ્યાર્થી સંજય ડાભીનું શાળામાં સન્માન, વીરશૌર્ય ચક્ર મેળવનાર પૂર્વ વિદ્યાર્થીએ again ગુરુકુળ શાળાનું નામ કર્યુ રોશન

સિહોર: તા. 28-06-2025, શનિવારના રોજ શ્રી સચ્ચિદાનંદ ગુરુકુળ વિદ્યાલય – સિહોર ખાતે એક ગૌરવપૂર્ણ પ્રસંગે પૂર્વ વિદ્યાર્થી અને ભારતીય એરફોર્સમાં ફરજ બજાવતા વીરશૌર્ય ચક્ર વિજેતા સંજય હિફાભાઈ ડાભીનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું. સંજયભાઈએ વર્ષ 1998 થી 2007 દરમિયાન આ શાળામાં અભ્યાસ કર્યો હતો અને હાલ તેઓ જમ્મુ-કાશ્મીરમાં દેશસેવામાં તત્પર છે.

આ સન્માન સમારોહમાં શાળાના આચાર્ય ફાધર રેજીએ સંજયભાઈનું હાર્દિક સ્વાગત કર્યું હતું, જ્યારે કાંતિસર, નારણસર અને મોરીસર દ્વારા તેમને પુષ્પગુચ્છ અને સ્મૃતિચિન્હ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સંજયભાઈએ સંબોધન કરતાં શાળાની શિસ્ત, અભ્યાસની ગુણવત્તા અને રમતગમતની તકો માટે પ્રશંસા વ્યક્ત કરી હતી. તેમણે ઉમેર્યું કે, દર વર્ષે આ શાળાના 5 થી 10 વિદ્યાર્થીઓ સેનામાં જોડાઈને દેશસેવા કરી રહ્યાં છે – જે શાળાનું ગૌરવ છે.

આ સાથે તેમણે પોતાની દીકરી નિહારિકા વિશે પણ ઉલ્લેખ કર્યો કે જે હાલ સેન્ટ મેરી સ્કૂલમાં અભ્યાસ કરે છે – જેને તેઓ શૈક્ષણિક પરંપરાની વારસાદારી માને છે.

અંતે સેન્ટ મેરી હાઈસ્કૂલના આચાર્ય ફાધર અજીલેશ દ્વારા આભાર વિધિ રજૂ કરવામાં આવી. કાર્યક્રમના સફળ આયોજન માટે ફાધર રેજી, ફાધર અજીલેશ અને જયસિંહસરના માર્ગદર્શન હેઠળ શાળાના સમગ્ર સ્ટાફે સુંદર સહકાર આપ્યો.

અહેવાલ: સતાર મેતર, સિહોર