પૂર્વ સૈનિકો માટે રોજગાર મેળો: ૨૫ જુલાઈએ અમદાવાદ કેન્ટોનમેન્ટ ખાતે યોજાશે.

ભારત સરકારના ડિરેક્ટોરેટ જનરલ રીસેટલમેન્ટ ઓફિસ, નવી દિલ્હી દ્વારા ગુજરાત રાજ્યમાં નિવાસ ધરાવતા પૂર્વ સૈનિકો માટે નોકરીની વધુ તકો સુનિશ્ચિત કરવા માટે વિશેષ રોજગાર મેળાનું આયોજન કરાયું છે.

આ રોજગાર મેળો આગામી ૨૫ જુલાઈ, ૨૦૨૫ના રોજ સવારે ૭:૦૦ કલાકે અમદાવાદ કેન્ટોનમેન્ટ ખાતે યોજાશે. આ મેળામાં ગુજરાતના જુદા જુદા જિલ્લાના ઉપરાંત ખાસ કરીને જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાના પૂર્વ સૈનિકો માટે નોકરીની તકો ઉપલબ્ધ કરાવાશે.

મેળામાં મોટી સંખ્યામાં ખાનગી તથા જાહેર ક્ષેત્રની કંપનીઓ ભાગ લેશે અને વિવિધ હોદ્દાઓ માટે પૂર્વ સૈનિકોનું નિર્દેશક ઈન્ટરવ્યૂ કે પસંદગી પ્રક્રિયા દ્વારા પસંદગી થશે. ખાસ કરીને સુરક્ષા અધિકારી, ટ્રેનર, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, ટેક્નિકલ પદો તથા અન્ય શાખાઓ માટે નોકરીની તકો ઉપલબ્ધ છે.

જોબ ફેરમાં હાજરી માટે રસ ધરાવતા તમામ પૂર્વ સૈનિકોએ તેમના ઓરિજિનલ ઓળખપત્ર, સર્વિસ સર્ટિફિકેટ અને બાયો-ડેટા/ રિઝ્યૂમની ૫ નકલ સાથે નક્કી કરેલી તારીખે સ્થળ પર હાજર રહેવું અનિવાર્ય છે.

જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, પોરબંદર દ્વારા જણાવાયું છે કે આજરોજથી સમગ્ર જૂનાગઢ, ગીર સોમનાથ તથા પોરબંદર જિલ્લામાંથી અનેક પૂર્વ સૈનિકોને સૂચના આપવામાં આવી છે. નોકરીની તકોની શોધમાં રહેલા નિવૃત્ત સૈનિકો માટે આ એક મહત્ત્વની તક ગણવામાં આવી રહી છે.

મેળામાં ભાગ લેતા તમામ પૂર્વ સૈનિકોને યોગ્ય રીતે તૈયાર થઈને અને સમયપત્રકનું પાલન કરીને પહોંચવા અનુરોધ કરવામાં આવ્યો છે.

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ

Ask ChatGPT